કચ્છમાં દોડતી એસટીની લક્ઝરી બસો ખાલીખમ

કચ્છમાં દોડતી એસટીની લક્ઝરી બસો ખાલીખમ
ભુજ, તા. 3 : કોરોના મહામારીની સાંકળ તોડવા ગુજરાત સરકારે આગામી પાંચમી મેં સુધી જાહેર કરેલા મિનિ લોકડાઉનની અસર તમામ ક્ષેત્રો પર પડી રહી છે, જેમાં એસ.ટી. તંત્ર પણ બાકાત રહ્યું નથી. હાલ નિગમ દ્વારા લાંબા રૂટની એક્સપ્રેસ બસો જ દોડવાઈ રહી છે, જેમાં પણ પૂરતા પ્રવાસી મળતા ન હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. જો કે, લોકલ રૂટ પર પૂરતાં મુસાફરો મળે તો તાલુકા મથકે બસો દોડાવાય છે. એસ.ટી. વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ લોકડાઉનને પગલે મુસાફરોનું આવાગમન મર્યાદિત થઈ જતાં તેમજ હાલની કોરોના મહામારીનું રૌદ્ર સ્વરૂપ જોતાં પ્રવાસીઓ જ મુસાફરી ટાળતા હોવાથી કચ્છ ઉપરાંત અન્ય જિલ્લામાં ચલાવાતી એસ.ટી.ની એક્સપ્રેસ બસો લગભગ ખાલી જેવી દોડી રહી છે, જેના કારણે નિગમને ડીઝલ ખર્ચ પણ માથે પડી રહ્યું છે. બીજી તરફ જિલ્લાના લોકલ રૂટ પર પણ મુસાફરોની અવરજવર ઘટી ગઈ છે, તેમ છતાં તંત્ર દ્વારા વર્તમાન પરિસ્થિતિમાં અંતરિયાળ વિસ્તારના દર્દીઓ, લોકોને મુશ્કેલી ન પડે તે માટે તાલુકા કક્ષાના રૂટ પર બસ દોડવાઈ રહી છે. દરમ્યાન આ અંગે વિભાગીય નિયામક ચંદ્રકાન્ત મહાજનનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, હાલની સ્થિતિમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે, જ્યાં નિયમ મુજબ 35થી 40 ટકા યાત્રિકો આવતા હતા ત્યાં હવે 25થી 30 જેટલા મુસાફરો મળી રહ્યા છે, અત્યારે એક્સપ્રેસના 80થી 85 અને લોકલના 70થી 75 રૂટ પર બસો દોડવાઈ રહી છે. બીજી તરફ કચ્છમાં દોડતી ખાનગી બસોના સંચાલકો દ્વારા કોવિડ-19ના નિયમોનું છડેચોક ભંગ થઈ રહ્યું હોવાના આક્ષેપ ઊઠી રહ્યા છે, ખાનગી બસોમાં જિલ્લા મથક મુક્યા બાદ સંખ્યા કરતાં વધુ મુસાફરો લેવા, પ્રવાસીઓ દ્વારા માસ્ક ન પહેરવા, સામાજિક અંતરનો અભાવ સહિતના નિયમોનો ભંગ કરાઈ રહ્યો છે, તેમ છતાં પોલીસ તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરાતી ન હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer