પૂર્વ કચ્છમાં કોરોના દર્દીઓ માટે સઘન સુવિધા

પૂર્વ કચ્છમાં કોરોના દર્દીઓ માટે સઘન સુવિધા
ગાંધીધામ, તા. 3 : અંજાર તાલુકાના નાગલપર પાસે તૈયાર થયેલા નવજીવન કોવિડ આરોગ્ય કેન્દ્રમાં રોટરી કલબ ઓફ ગાંધીધામ દ્વારા ગણતરીના દિવસોમાં હજુ વધારાના 34 બેડ ઊભા કરવાની દિશામાં વ્યાયામ આદરાયો છે. અંજાર પ્રાંત અધિકારી ડો. વી.કે. જોષી દ્વારા નાગલપરમાં કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવા સહકાર આપવા માટે ગાંધીધામ રોટરી કલબને અનુરોધ કરાયો હતો. પ્રથમ તબક્કામાં સંસ્થા દ્વારા આઈ.ઓ.સી.એલ. એકમના સહયોગથી અંદાજિત 21 લાખ જેટલી રકમની આર્થિક મદદ સાથે પુરુષ અને ત્રીઓ માટે ઓકિસજનની સુવિધા સાથેના અંદાજિત 34 બેડની વ્યવસ્થા ઊભી કરાઈ હતી જે હાલમાં કાર્યરત છે. બીજા તબકકામાં પણ રોટરી કલબ દ્વારા વધુ એક વખત આ આરોગ્ય કેન્દ્રમાં ઓકિસજનની લાઈન સાથે વધારાના 34 જેટલા બેડ ઊભા કરવાનું કાર્ય આરંભાયુ છે. માતબર રકમના ખર્ચે તૈયાર થતી આ વ્યવસ્થા અંગે કલબના પ્રમુખ ગેલાભાઈ આહીરે કહ્યંy હતું કે બીજા તબક્કામાં સંભવત: પાંચથી છ દિવસમાં વધારાના 34 બેડની વ્યવસ્થા ઝડપભેર ઊભી કરવા બનતા પ્રયત્નો કરાઈ રહ્યા છે. વધારાના બેડ માટે અંદાજિત 15થી 20 લાખના ખર્ચને પહોંચી વળવા માટે ગાંધીધામ ડમ્પર એસોસીએશન દ્વારા 8 લાખ રૂપિયાનું અનુદાન અપાયું છે. બાકીનો ખર્ચે રોટરી ક્લબ ઉઠાવશે તેવું શ્રી આહીરે ઉમેર્યું હતું. આ પ્રોજેકટ ટીમમાં ગેલાભાઈ આહીર, વિનેશ તેજવાણી, તરુણ ડાંગર, રવિન મડિયાર, વિકાસ ગોયેલ, અભિષેક સુરાના, ભગવાનદાસ ગુપ્તા યોગદાન આપી રહ્યા છે. ગાંધીધામ ડમ્પર એસોસીએશનના જયદેવ અયાચીએ કહ્યું હતું કે હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને સંગઠનમાં મદદ માટે અનુરોધ કરાયા પછી ગણતરીના કલાકોમાં આઠ લાખ કરતાં વધારે રકમનું અનુદાન એકત્રિત થયુ હતું, જે પૈકી આઠ લાખ રોટરી કલબને અર્પણ કરાયા હતા, બાકી નાણાં અન્ય કાર્ય માટે ઉપયોગમાં લેવાશે તેવું તેમણે ઉમેર્યું હતું. ગાંધીધામની સેન્ટ જોસેફ હોસ્પિટલમાં અહીંના સ્વ. રમેશભાઈ અમરચંદ સિંધવી પરિવાર દ્વારા 10 આઈ.સી.યુ. બેડ ઊભા કરાયા હતા, જેમાં વેન્ટિલેટર, મોનિટર, ઓકિસજન પાઈપલાઈન સહિતના સંસાધનો સાથેના બેડ શરૂ થતાં જ તમામ ભરાઈ ગયા હતા. કોરોના સંક્રમિતોને તત્કાળ શ્રેષ્ઠ સારવાર પ્રાપ્ત થઈ હતી. આ માટેનો આર્થિક સહયોગ મેસર્સ ગૌતમ ફ્રેટ, ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા અપાયો હતો તેવું સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer