કંડલામાં તેલચોરીનો પ્રયાસ પોલીસે રોક્યો

ગાંધીધામ, તા. 3 : કંડલામાં આવેલી સરકારી કંપનીઓની પાઈપ લાઈનમાંથી ડીઝલ, પેટ્રોલ ચોરીના બનાવો હજુ પણ અટકતા નથી. અહીંની બી.પી.સી.એલ. કંપનીની પાઈપ લાઈનમાંથી ચોરી કરતા શખ્સો પોલીસને જોઈને નાસી ગયા હતા. આ જગ્યાએથી પોલીસે રૂા. 30,415નું 385 લીટર ડીઝલ જપ્ત કર્યું હતું. કંડલાની ઓઈલ જેટીથી ખારીરોહર બાજુ જતા માર્ગ પર ફસવાઈ નજીક બી.પી.સી.એલ. કંપનીની પાઈપલાઈન પિલ્લર નંબર 422 પાસે અમુક શખ્સો તેલચોરી કરતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ અહીં દોડી ગઈ હતી. પોલીસને આવતી જોઈને ડીઝલની ચોરી કરવા આવેલા શખ્સો વાહન નંબર જી.જે. 12- ડી.એમ. 5356વાળું લઈને નાસી ગયા હતા. આ જગ્યાએથી પોલીસે ગત રાત્રે 35 લીટરની ક્ષમતાવાળા 11 કેરબામાં રહેલું 385 લીટર ડીઝલ કિંમત રૂા. 30,415વાળું જપ્ત કર્યું હતું. પાઈપ લાઈનમાં કાણું પાડી તેમાંથી કોઈ પદાર્થની ચોરી કરવાથી અકસ્માતે આગ લાગી શકે છે અને પોતાને તથા અન્ય લોકોને મોટી જાનહાનિ તથા મોટું નુકસાન થઈ શકે છે તેવું જાણતા હોવા છતાં આ શખ્સોએ ચોરીના આવા બનાવને અંજામ આપ્યો હતો. નાસી જનારા આ અજાણ્યા શખ્સો વિરુદ્ધ બી.પી.સી.એલ.ના ગૌરવકુમાર સંતોષકુમાર ગુપ્તાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હાથમાં ન આવેલા આ શખ્સોને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer