ભુજની વીસેક હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીનાં સાધનો તપાસાયાં

ભુજ, તા. 3 : તાજેતરમાં જ ભરૂચની હોસ્પિટલમાં આગની ઘટનાને પગલે ભુજમાં વીસેક જેટલી હોસ્પિટલોમાં ફાયર સેફટીના સાધનોની તપાસ હાથ ધરાઈ હતી જેમાંથી બે હોસ્પિટલમાં ફાયર સેફટીની સિસ્ટમ જ ન હોવાથી તાકીદ કરાઈ હતી. જો કે, અમુક હોસ્પિટલના સંચાલકોએ ફાયર સેફટી બાબતે હોસ્પિટલ પ્રારંભથી જ જાગૃતતા બતાવી છે. તો, અમુકને ખૂટતી કડીઓ પૂર્ણ કરવા જણાવાયું હતું. થોડા દિવસો પહેલાં જ ભરૂચની હોસ્પિટલમાં આગના બનાવમાં દર્દીઓના મૃત્યુના પગલે ભારે અરેરાટી ફેલાઈ હતી. અગાઉ પણ રાજ્યમાં આવા બનાવો નોંધાઈ ચૂકયા છે ત્યારે ભુજની હોસ્પિટલોમાં સુધરાઈની ફાયર શાખા દ્વારા ફરી એકવાર સુરક્ષાના સાધનોની તપાસ હાથ ધરાઈ હતી. ફાયર ઓફિસર અનિલ મારૂના જણાવ્યા અનુસાર શહેરની વીસેક હોસ્પિટલની તપાસ દરમ્યાન જીયા હોસ્પિટલ તથા ડો. રૂપાલી મોરબિયા હોસ્પિટલને ફાયર સેફટીના સાધનો વસાવવા તાકીદ કરાઈ હતી. તો, અમુક હોસ્પિટલને ખૂટતી કડીઓ પૂર્ણ કરવા જણાવાયું હતું. તપાસ દરમ્યાન ખાસ કરીને દરેક હોસ્પિટલને ઈલેકિટ્રકલ ઓડીટ કરાવવા તેમજ નજીકની અન્ય હોસ્પિટલ સાથે સંકલન સાધવા જેથી આપત્તિ સમયે દર્દીને તત્કાળ નજીકની હોસ્પિટલ ખસેડી શકાય તેવું જણાવાયું હતું. જો કે, મોટા ભાગની હોસ્પિટલોમાં ફાયર સેફટીના સાધનો મુદ્દે જાગૃતતા દેખાઈ હતી. આગામી દિવસોમાં જો અધૂરાશો પૂર્ણ નહીં કરાય તો તેવી હોસ્પિટલના સંચાલકો સામે કાયદાકીય પગલાં ભરાશે તેવું ફાયર શાખાના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer