કોરોના સામે લડવા દર્દીનું માનસિક બળ મજબૂત કરવા ગાંધીધામની મહિલા મેદાને

ગાંધીધામ, તા. 3 : કોરોના વાયરસને લઈ પ્રત્યેક નાગરિકો મનમાં છુપો ડર અનુભવી રહયા છે. તો બીજી બાજુ મોટાભાગના કોરોનાથી સંક્રમિત દર્દીઓ નાનકડા એવા આ વાયરસ સામે જંગ લડયા વિના માનસિક રીતે હાર સ્વીકારી નિરાશાની ઉંડી ખાઈમાં ધકેલાઈ જતા હોય છે. આ સ્થિતિમાં ગાંધીધામના મહિલા શિક્ષિકાએ આપણી જૂની પરંપરાની સાથે કોરોના દર્દીઓને માનસિક રીતે સ્વસ્થ બનાવવા ઝુંબેશ આરંભી છે. તેમનુ માનવુ છે કે દઢ મનોબળ ગમે તેવી પરિસ્થિતિમાં લડવા માટે હિંમત આપે છે. ગાંધીધામ અને આજુબાજુ વિસ્તારમાં મનથી ભાંગી પડેલા કોરોના દર્દીઓમાં નવી આશાનો સંચાર કરતા અને બે વખત કોરોના સામે જંગ જીતેલા ગાંધીધામના શિક્ષિકા પૂજાબેન દાદલાણીએ કચ્છમિત્ર સાથે વાતચીત કરતા કહયુ હતુ કે પહેલાના જમાનામાં આટલી બધી આરોગ્યલક્ષી સુવિધાઓ અને મશીનો ન હતા ત્યારે પણ ઘરની માતા અને દાદીઓ તેમના બાળકોને ઘરગથ્થુ ઈલાજ સાથે સ્વસ્થ બનાવતી હતી. બીમારીઓ આવી અને ગઈ લોકો સ્વસ્થ થયા છે. આપણે આપણી જુની પરંપરા જાળવી રાખી ખાવા -પીવાની બાબતોમાં વિશેષ ધ્યાન આપવુ જોઈએ. મીઠાની ગરમ પોટલી બનાવી પીઠ, છાતી અને માથાના ભાગે શેક કરવો જોઈએ કોરોના કફ સાથે જામે છે. આ પોટલીનો શેક કરવાથી કફ નીકળી જાય છે, જેથી કોરોનાના દ્વાર પણ બંધ થઈ જાય છે. આ પ્રયોગ ઘણા લોકોને કહયો છે તેનો લોકોને ફાયદો પણ થયો છે. આ સાથે કસરત કરાવી હતી. પ્રવાહી વધારે પ્રમાણમાં લેવુ જોઈએ અને ફ્રુટ ન લેવા જોઈએઁ. ઓકિસજન લેવલ આવી ગયા બાદ ફ્રુટ લઈ શકાય. પૂજાબેન કહયુ હતુ કે હું દર્દીઓનુ મનોબળ મજબૂત કરવા માટે હોસ્પિટલમાં જઈ હિંમત આપુ છું. માસ્ક વિના પણ કોરોના દર્દી વચ્ચે ગઈ છું પરંતુ હોસ્પિટલોના નિયમોને ધ્યાને રાખીને માસ્ક પહેરવો પડે છે. દર્દીને પરિવારજનોએ હુંફ આપવી જોઈએ. અશકિત દૂર કરવા એક વાટકી લાલ દેશી ગોળને ચાર ગ્લાસ પાણી ગરમ કરી ગોળ ઓગળી જાય ત્યારબાદ તેને બોટલમાં ભરી એક જણે આખા દિવસમાં ચાર ગ્લાસ આ પાણી પીવાથી રાહત અનુભાવશે. ડરથી વધુ લોકો મરે છે. ડોકટર માત્ર આપણને શરીરથી સ્વસ્થ બનાવી શકશે પરંતુ આપણે મનથી મજબુત અને મકકમ બનવા જેટલા ઝડપી જાગૃત થશું તેટલા વહેલા આપણે સાજા થઈ શકીશું. આ બીમારીમાં માનસિક રીતે સ્વસ્થતા મહત્વનો ભાગ ભજવે છે. તેમણે છેલ્લા 8 થી 10 દિવસ અનેક લોકોને મળીને અને ટેલીફોનિક માધ્યમથી લોકોને માનસિક મજબૂત કર્યા હોવાનુ તેમણે કહયુ હતુ .હાલમાં તેઓ પંજાબી યુથ સર્કલ સાથે મળીને કોરોનામાં માનસિક રીતે મજબુત બનાવવા માટે પ્રેરણા આપી રહયા છે. માનસિક રીતે મજબુત બનાવવાની પ્ર્રેરણા મેળવવા માટે પૂજાબેન દાદલાણી મો. 70697 94796 ઉપર સવારે 10 થી 12 અને સાંજે પ થી 7 વાગ્યા સુધી સંપર્ક કરવા એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer