નખત્રાણામાં રસીકરણ કેમ્પના ઉદ્ઘાટનમાં નેતાઓ મોડા પડયા ને નાગરિકો થયા હેરાન

નખત્રાણા, તા.3 : ગુજરાત સ્થાપનાના દિવસે તાલુકા હેલ્થ કચેરી (બ્લોક હેલ્થ) દ્વારા અહીં કોરોના વિરૂધ્ધ રસીકરણ શરૂ તો થયું, પરંતુ આ રસી આરોગ્ય કેન્દ્રમાં આપવાના બદલે તાબડતોબ કોઈ સમાજવાડી ખાતે રસી આપવાનો તાત્કાલિક નિર્ણય કોઈ રાજકીય વગના કારણે લેવાતાં રસી લેવા આવનાર લોકો હેરાન-પરેશાન થયા હતા. એટલું જ નહીં, આ રસી સવારના નવ વાગ્યે શરૂ થવાના બદલે ઠેઠ અગિયાર વાગ્યે આપવાનું શરૂ થયું હતું કારણ રસી ક્રાર્યક્રમનું ઉદ્ઘાટન. મોડેથી આવેલા મહાનુભાવો તેમજ ફોટોસેશનના કારણે. આ અગાઉ નગરની આંગણવાડી ખાતે દોઢેક માસ અગાઉ રસીનો પ્રથમ ડોઝ લીધેલા મહિલા-પુરૂષો તા.30-4 ના અહીંના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા ત્યાં જવાબ મળ્યો કે, આવતીકાલે 1લી તારીખ છે. સવારે 9 વાગ્યે આવી જજો. નગરથી અઢી કિલોમીટરના અંતરે આવેલા અહીંના સી.એચ.સી. કેન્દ્ર ખાતે લોકો પહોંચ્યા ત્યારે જવાબ મળ્યો કે, રસી અહીં નહીં - ફલાણી સમાજવાડી ખાતે આપવામાં આવશે. ફરી લોકો તે સમાજવાડી ખાતે પહોંચ્યા હતા. 9.30 નો સમય થઈ ગયો હતો. આરોગ્ય કર્મચારીઓ પણ હાજર હતા તેમ છતાં રાજકીય હોદ્દારો, સામાજિક હોદ્દારો દ્વારા આ રસી આપવાનું શરૂ કરે તે પહેલાં ઉદ્ઘાટન-ફોટોસેશન વિગેરેની ગોઠવણીમાં દોઢેક કલાક જેટલો સમય વિતી જતાં નવના બદલે ઠેઠ 11 વાગ્યે રસી આપવાનું શરૂ થયું. રસી લેવા સાડા નવ વાગ્યે આવી પહોંચેલા લોકો બે કલાકનો સમય જતા આકુળ-વ્યાકુળ બન્યા હતા તેમજ આપસમાં ચર્ચા કરતા હતા કે રસી આપવા જેવી બાબતમાં પણ ઉદ્ઘાટન-ફોટા પડાવી વાહ-વાહ મેળવે છે અને લોકો હેરાન થાય, પરેશાન થાય, સમય બગડે છે. રસી લેવા આવેલા લોકોએ જે નામો લખાવ્યા હતા તેનાથી એકાદ કલાક મોડા આવેલા લોકોને વ્હાલા-દવલાની નીતિ બજાવી વચ્ચેથી લેવાતા - ખાસ કરીને મહિલાઓએ ઉહાપોહ મચાવ્યો હતો. આ બાબતે તાલુકા હેલ્થ ઓફિસરને પૂછતાં તેમણે કહ્યું હતું કે, કાંઈક ખોટું થયું છે તો સમાજવાડીમાં ખુબ જ સંકડાશ હોતા, સામાજિક અંતર પણ ન જળવાયું. સેનેટાઈઝીંગ પણ ન થયું, હવે પણ અન્ય કોઈ મોકળાશવાળી વિશાળ જગ્યા સ્થળ પસંદ કરી તે જગ્યાએ રસી આપવાની વ્યવસ્થા કરશું!

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer