રાપર કોવિડ સેન્ટરના 40માંથી ચાર બેડમાં જ ઓક્સિજનની સુવિધા : 36 બિનઉપયોગી

રાપર કોવિડ સેન્ટરના 40માંથી ચાર બેડમાં જ ઓક્સિજનની સુવિધા : 36 બિનઉપયોગી
રાપર, તા. 22 : શહેર અને તાલુકામાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં  ઓક્સિજનની સુવિધાવાળા માત્ર ચાર જ બેડ હોવા મામલે રાપરના પૂર્વ ધારાસભ્ય દ્વારા જિલ્લા કલેકટરને પત્ર પાઠવી  તમામ બેડમાં ઓક્સિજનની સુવિધા કાર્યરત કરવા માટે ભારપૂર્વકની રજૂઆત કરાઈ હતી. આ ઉપરાંત  આર.ટી.પી.સી.આર. ટેસ્ટ  થયા બાદ સંક્રમણ ન વધે તે માટે  દર્દીઓને હોમ આઈસોલેશન કરવા પણ  રજૂઆત કરાઈ છે. તમામ બેડમાં ઓક્સિજનની સુવિધા  ન હોવાના કારણે દર્દીઓને સારવાર માટે અન્ય શહેરો સુધી લાંબા થવું પડે છે. જિલ્લા કલેકટરને પાઠવાયેલા પત્રમાં પૂર્વ  ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, લોકોની માગણી અને રજૂઆતના પગલે રાપરની મોડેલ સ્કૂલ ખાતે કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે તે લોકો માટે ઉપયોગી સાબિત થશે, પરંતુ હાલ 40 બેડની આ હોસ્પિટલમાં માત્ર ચાર જ બેડમાં ઓક્સિજનની સુવિધા છે. બાકીના 36 બેડ ઉપર ઓક્સિજન બોટલ અને જરૂરી સાધનો હોવા છતાં પણ ફિટિંગ થયું ન હોવાથી ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓને સારવાર આપી શકાય તેમ નથી. આમ હાલ 36 બેડ બિનઉપયોગી પડયા છે. આ બાબતે  યુદ્ધના ધોરણે તમામ 36 બેડમાં ઓકિસજનનું જોડાણ આપવામાં આવે તેવી ભારપૂર્વકની માંગ પત્રમાં કરાઈ છે. હાલ શહેર અને તાલુકામાં કોરોનાના કેસ અનેકગણા બહાર આવી રહ્યા છે ત્યારે ઓક્સિજન ઓછું થતું હોય તેવા અનેક દર્દીઓને અહીં સુવિધા ન હોવાથી ગંભીર હાલતમાં પાટણ, રાધનપુર, ગાંધીધામ સુધી જવું પડે છે. દરમ્યાન  રાપર સી.એચ.સી. ખાતે 98થી વધુ ગામો અને 270થી વધુ નાની મોટી વાંઢના લોકો આર.ટી.પી.સી.આર. રિપોર્ટ કરાવવા રાપર આવે છે. રિપોર્ટ ચાર કે પાંચ દિવસે આવતો હોવાથી ત્યાર સુધી દર્દી ફરતો હોવાના કારણે સંક્રમણ વધે છે, જેથી રિપોર્ટ વહેલાસર મળે અને રિપોર્ટ કરાવ્યા બાદ લોકોને હોમ કવોરેન્ટાઈન કરવામાં આવે તેવી કાર્યવાહી કરાવવા પૂર્વ ધારાસભ્યએ માંગ કરી છે. ઝડપી રિપોર્ટ મળશે તો સારવાર સમયસર થશે અને જીવનું જોખમ ઓછું થશે. દરમ્યાન રાડાના પૂર્વ અધ્યક્ષ કેશુભા વાઘેલા અને રાપર નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને સુધરાઈ સભ્ય બળવંતભાઈ ઠક્કરે કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. કોરોના સેન્ટરના મુખ્ય દ્વારાથી  સેન્ટર સુધી લાઈટ ન હોવાના કારણે રાત્રિના અંધકારમાં ભારે તકલીફ પડે છે. રાત્રિના સમયે પડતી મુશ્કેલી નિવારવા સ્ટ્રીટ લાઈટ નાખવા મુખ્ય અધિકારીને જણાવાયું હતું. ઓક્સિજન બેડની ખૂટતી કડી અંગે પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા અને જિલ્લા ભાજપ પ્રમુખ સમક્ષ રજૂઆત કરાઈ હતી. જો તંત્ર કહેશે તો ખાનગી  તબીબો  આપાતકાલીન સમયમાં સારવાર આપવા તૈયાર હોવાનું તેમણે જણાવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer