અંજારમાં પણ આજથી ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન

અંજારમાં પણ આજથી ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન
અંજાર, તા. 22 : સમગ્ર કચ્છની સાથે અંજાર શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વધતા જતા કોરોનાના કેસોથી ફેલાયેલી ચિંતા અને કોરોના સંક્રમણને રોકવા માટે સૌથી વધુ જરૂરી પગલાંરૂપે શહેરના વેપારીઓ તકેદારી રાખી માસ્ક પહેરીને ગ્રાહકોને દુકાનમાં પ્રવેશ આપવા તેમજ સેનિટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્ત પાલન કરાવવા નક્કી કરેલું હતું અને શહેરની તમામ દુકાનો-બજારો વેપારી એસોસીએશનના થયેલા ઠરાવો મુજબ સોમવારથી ગુરુવાર સુધી તમામ બજારો-દુકાનો સવારથી બપોરના 3 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે તેમજ શુક્ર, શનિ, રવિ શહેરની તમામ બજારો સદંતર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્યમંત્રી વાસણભાઈ આહીરના અધ્યક્ષસ્થાને મળેલી મિટિંગમાં સાંજે 8 વાગ્યે બજારો- દુકાનો બંધ રાખવાના સર્વાનુમતે કરાયેલા નિર્ણયને સારા પ્રતિસાદ બાદ વધુ સમીક્ષા પશ્ચાત આ નિર્ણય લેવાયો છે. અંજાર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની અધ્યક્ષતામાં અંજાર વિભાગના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એ.બી. મંડોરીની ઉપસ્થિતિમાં મળેલી મિટિંગમાં હાલની પરિસ્થિતિની વિસ્તૃત ચર્ચા બાદ કરાયેલા નિર્ણયમાં શહેરના જુદા-જુદા વેપારી એસોસીએશન ઠરાવ કરી પોતાની સર્વાનુમતે સહમતી દર્શાવી હતી. ચેમ્બરના પ્રમુખ રશ્મિન પંડયા, માનદ્મંત્રી વસંતભાઈ કોડરાણીએ સર્વેને અપીલ કરતાં જણાવ્યું કે, હાલના સંજોગોમાં આ ગંભીર પરિસ્થિતિથી સર્વેના સહયોગથી આપણે સફળતાપૂર્વક બહાર નીકળી શકશું. મામલતદાર એ.બી. મંડોરીએ હાલની પરિસ્થિતિ પર અંકુશ મેળવવા માટે સરકારી વહીવટી તંત્ર, મેડિકલ સ્ટાફ, પોલીસ સ્ટાફ તનતોડ કામગીરી કરી રહ્યા છે ત્યારે પરિવારનું રક્ષણ કરવા માટે આપણા સૌની જવાબદારી સ્વીકારી આ સ્વૈચ્છિક બંધ પાળી સંક્રમણ રોકવું ખૂબ જ જરૂરી હોવાનું જણાવ્યું હતું. વેપારી મંડળો દ્વારા સ્વૈચ્છિક બંધમાં દુકાનો-બજારો-ગોદામોમાં ચોરી, લૂંટ થવાના ભય સામે કડક બંદોબસ્ત સાથે નાઈટ પેટ્રોલિંગ વધારવાની ખાતરી અપાઈ છે. આ મિટિંગમાં માલા શેરી વેપારી મંડળ, રેડીમેડ એસોસીએશન, ડિસ્ટ્રીબ્યુટર્સ એસોસીએશન, ખત્રી બજાર, મોબાઈલ શોપ એસોસીએશન, રિટેઈલ બજાર, હોલસેલ એસોસીએશન, મીઠાઈ-ફરસાણ એસોસીએશન, સોના-ચાંદી બુલિયન, મેટલ મરચન્ટ એસોસીએશન, ઈલેક્ટ્રીક એસોસીએશન તથા શહેરના વિવિધ વેપારી એસોસીએશન, હોદ્દેદારો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સર્કલ ઓફિસર જિજ્ઞેશભાઈ ચૌધરીએ વ્યવસ્થા સંભાળી હતી. શહેરમાં મેડિકલ સેવા રાબેતા મુજબ તો જીવનજરૂરી આવશ્યક સેવાઓ 12 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer