ગાંધીધામ રેલવે હોસ્પિટલ ખાતે કોવિડની સારવાર શરૂ કરો

ગાંધીધામ રેલવે હોસ્પિટલ ખાતે કોવિડની સારવાર શરૂ કરો
ગાંધીધામ, તા. 22 : કચ્છમાં કોરોનાનાં સંક્રમણનો ગ્રાફ દિવસોદિવસ ઊંચકાતો જાય છે. હાલ દૈનિક સંક્રમિત દર્દીઓનો આંક બેવડી સદીએ પહોંચી ગયો છે. હોસ્પિટલમાં જગ્યા પણ મળતી નથી, ત્યારે રેલવે દ્વારા ગાંધીધામમાં વિકસાવાયેલા આઈસોલેશન કોચની  આજે સાંસદે મુલાકાત લીધી હતી. આ દરમ્યાન રેલવે કોલોની સ્થિત હોસ્પિટલ ખાતે કોવિડ સારવારની સુવિધા વિકસાવવા તેમણે સૂચન કર્યું હતું. રેલવે દ્વારા ગત માર્ચમાં ઉદ્ભવેલી કોરોના મહામારીના સમય દરમ્યાન દેશભરમાં  જૂના કોચમાં ઓક્સિજન બોટલની સુવિધા સાથેના આઈસોલેશન કોચ તૈયાર કરાયા હતા. એક વર્ષથી તૈયાર થયેલા આ કોચ અંજાર ખાતે રાખવામાં આવ્યા હતા. હાલ આવા સાત આઈસોલેશન કોચ  ગાંધીધામ રેલવે સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે. આજે સાંસદ વિનોદભાઈ ચાવડાએ રેલવે સ્ટેશન ખાતે આ આઈસોલેશન કોચની મુલાકાત લીધી હતી. તેમણે આ દરમ્યાન જણાવ્યું હતું કે, ગરમીના સમયમાં કોચમાં  રાખવું શકય ન બને, જેથી રેલવે પોતાની હોસ્પિટલ ખાતે 18થી 20 બેડની ઓક્સિજન સાથેની સુવિધા ઊભી કરે તેવું તેમણે સૂચન કર્યું હતું. રેલવે અને રાજ્ય સરકાર વચ્ચે કરાર થાય અને આ કોવિડ સેન્ટરમાં તબીબ અને નર્સ સહિતનો પ0 ટકા સ્ટાફ રેલવે અને 50 ટકા સ્ટાફ રાજ્ય સરકારનો રાખવામાં આવે. આ દિશામાં કામગીરી કરવા તેમણે સૂચવ્યું હતું. આ દરમ્યાન ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, સુધરાઈ પ્રમુખ ઈશિતા ટિલવાણી, ચેમ્બર પ્રમુખ અનિલ જૈન, ઉપપ્રમુખ તેજાભાઈ કાનગડ  એ.આર.એમ. આદિશ પઠાનિયા, પ્રાંત અધિકારી ડો. વી.કે. જોશી વિગેરે હાજર રહ્યા હતા. રેલવે સ્ટેશન ઉપરાંત કોમ્યુનિટી સેન્ટર અને રેલવે હોસ્પિટલની પણ મુલાકાત લેવામાં આવી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer