ટપ્પરથી અજાપર સુધીની કેનાલમાં તાત્કાલિક પાણી છોડવા માંગ

ટપ્પરથી અજાપર સુધીની કેનાલમાં તાત્કાલિક પાણી છોડવા માંગ
અંજાર, તા. 22 : કચ્છ શાખા નહેરમાં ટપ્પરથી અજાપર સુધી કેનાલ ખાલી થઇ જતાં તાત્કાલિકા પાણી છોડવા અંગે જિ.પં. પૂર્વ વિરોધ પક્ષના નેતા દ્વારા કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરાઇ હતી, જેમાં વી. કે. હુંબલે જણાવ્યું હતું કે, વર્ષ 2021-22નાં બજેટસત્રમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા વિધાનસભા ગૃહમાં જાહેરાત કરાઇ હતી કે, ચાલુ વર્ષના ઉનાળામાં નર્મદાની કેનાલોમાં ઉનાળુ પાક માટે પાણી છોડાશે, જેથી ખેડૂતો વાવેતરની આગોતરી તૈયારી કરી લે. એ જાહેરાતના અનુસંધાને રાજ્યના ખેડૂતોની સાથે અંજાર તા.નાં ટપ્પર, લાખાપર અને અજાપર ગામના ખેડૂતોએ પણ કેનાલના પાણીના ભરોસે અને ઉપરોક્ત જાહેરાતના લીધે મોટાપાયે વાવેતર કર્યું હતું. શિયાળુ પાક પૂર્ણ થયા બાદ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું, જેના લીધે ખેડૂતો વાવેતર કરી શક્યા હતા, પરંતુ હાલે જ્યારે પાકને પાણીની જરૂરિયાત છે અને પાક સુકાઇ રહ્યો છે ત્યારે જ ટપ્પર ડેમના ગેટથી અજાપર સુધીની કેનાલ ખાલીખમ છે. હાલે ભચાઉથી લઇને અજાપર સુધીની કેનાલમાં કોઇપણ જગ્યાએ કેનાલનું કામ ચાલુમાં નથી. કોઇ જગ્યાએ કેનાલ તૂટેલી નથી કે રીપેરિંગ કામ ચાલુ નથી, તો પછી પાણી ન છોડવાનું કોઇ કારણ જણાતું નથી. ઉપરોક્ત ત્રણ ગામના અંદાજે 50 જેટલા ખેડૂતોએ ખેતરોમાં કેનાલથી પિયત કરી વાવેતર કર્યું છે અને હાલે પાક પાણી ન મળવાને કારણે સુકાઇ રહ્યો છે, જે નર્મદા વિભાગની ઘોર બેદરકારી છે. જેથી ટપ્પરથી અજાપર સુધીની કેનાલમાં તાત્કાલિક પાણી છોડવા અન્યથા કચેરીની બહાર ઉગ્ર આંદોલન કરાશે તેવું યાદીમાં ઉમેર્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer