ધોનીના વિશ્વાસુ ખેલાડી ગાયકવાડે આલોચકોની બોલતી બંધ કરી

નવી દિલ્હી, તા. 22 : ચૈન્નઈ સુપરકિંગ્સનો ઓપનિંગ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ આઇપીએલ-14ના શરૂઆતના ત્રણ મુકાબલામાં ફ્લોપ રહ્યા બાદ ફોર્મમાં આવ્યો છે. સતત ત્રણ ઇનિંગમાં નિષ્ફળ ગયા બાદ કોલકાતા સામે મેચમાં ગાયકવાડને જગ્યા આપવા મુદ્દે સવાલ ઉઠી રહ્યા હતા. જો કે આ ખેલાડીએ અર્ધસદી ફટકારીને તમામ આલોચકોની બોલતી બંધ કરી દીધી હતી. ગાયકવાડે 64 રનની આક્રમક ઇનિંગ રમી હતી. 24 વર્ષના ગાયકવાડે સીઝનના પહેલા મેચમાં દિલ્હી સામે પાંચ રન કર્યા હતા. ત્યારબાદ પંજાબ સામે પાંચ રન અને રાજસ્થાન રોયલ્સ સામે 10 રન કર્યા હતા. ત્રણ મેચમાં ગાયકવાડનાં નામે 20 રન હતા પરંતુ સીએસકેએ ટીમમાં બદલાવ ન કરીને ગાયકવાડ ઉપર વિશ્વાસ રાખ્યો હતો અને વધુ એક તક આપી હતી. જેના પરિણામે કોલકાતા સામે ગાયકવાડે 42 બોલમાં 64 રન કર્યા હતા. જેમાં 6 ચોગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. ઓવરઓલ ટી20ની આ ગાયકવાડની 10મી અર્ધસદી હતી. તેણે ફાફ ડુપ્લેસિસ સાથે પહેલી વિકેટ માટે 115 રનની ભાગીદારી કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer