જિલ્લાના તમામ લોકલ રૂટ બંધ કરાયા : જો કે, પૂરતા મુસાફર આવ્યેથી બસ ચલાવવાની તંત્રની હૈયાધારણ

ભુજ, તા. 22 : કચ્છમાં વધતા જતા કોરોના સંક્રમણને પગલે શહેરના જુદાજુદા વેપારી મંડળોએ ગુરુવાર રાત્રે 8 વાગ્યાથી સોમવારે સવારે 8 વાગ્યા સુધી સ્વૈચ્છીક લોકડાઉનના લીધેલા નિર્ણયને પગલે લોકોની અવરજવર પર થનારી અસરના ભાગરૂપે કચ્છના એસટી તંત્રે પણ તમામ લોકલ રૂટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે, જોકે, પૂરતા પેસેન્જર મળયેથી બસ ચાલવાશે તેવી જવાબદાર અધિકારી દ્વારા સ્પષ્ટતા કરાઈ છે. એસટી વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આજે રાતથી ભુજમાં વેપારીઓ દ્વારા કોરોનાની સાંકળ તૂટે તેવા આશયથી સોમવાર સવાર સુધી લોકડાઉનનો સર્વાનુમતે નિર્ણય લીધો છે, દેખીતી રીતે ભુજ બંધ હોય તો ખરીદી કરવા આવતા ગામડાના લોકોનું આવાગમન પણ બંધ થઈ જાય જેના કારણે એસટીને પણ મુસાફરો ન મળે તેવા કારણોસર જિલ્લાના તમામ લોકલ રૂટ બંધ કરી નખાયા છે, અને ગુરુવારે સાંજ પછીની રાત્રી રોકાણ કરતી બસોને ડેપોમાં બોલાવી લેવામાં આવી છે, અને ડ્રાઇવર-કડક્ટરને રજા ઉતારી દેવામાં આવ્યા છે, હાલ અબડાસા, લખપત રાપર બાજુના ચારથી પાંચ જ રૂટ પર બસો ચાલે છે, જોકે, લાંબા રૂટની એક્સપ્રેસ લાઈનીની બસો ચાલુ રાખવામાં આવી છે. દરમ્યાન કચ્છના વિભાગીય નિયામક ચંદ્રકાન્ત મહાજનનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે,  ભુજમાં ત્રણ દિવસ લોકડાઉન હોવાથી ગામડાના પ્રવાસીઓ શહેરમાં આવી શકે તેમ ન હોવાથી ખાલી બસો દોડાવવાનો કંઈ અર્થ નથી, તેમ છતાં રૂટ મુજબના પૂરતાં પેસેન્જર મળશે તોબસ દોડાવવાની પણ તેમણે તૈયારી રખાઈ હોવાની સ્પષ્ટતા કરી હતી  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer