ખાનગી એમ્બ્યુલન્સોનાં ભાડાં બેફામ

ભુજ, તા. 22 : કોરોના મહામારીના સંક્રમણનો ભોગ બનતા લોકોને હોસ્પિટલે જવા કે હોસ્પિટલોથી અન્યત્ર ખસેડવા માટે ખાનગી એમ્બ્યુલન્સો આશરો લેવો ફરજિયાત બનતો હોવાથી તેમણે મનમાન્યા ભાડાં વધારી નખાતા હોવાના આક્ષેપ દર્દીઓના  સંબંધીઓ કરી રહ્યા છે. સરકારી અને સ્રંસ્થાકીય એમ્બ્યુલન્સો ઉપર ભારણ વધતાં બધી જગ્યાઓ પહોંચી શકતી ન હોવાથી ખાનગી એમ્બ્યુલન્સોની સંખ્યામાં રાતોરાત વધારો થયો છે. તે તપાસનો વિષય બને તેમ દર્દીઓના પરિવારજનોએ હૈયાવરાળ ઠાલવતાં કહ્યું હતું. સેવાભાવી સંસ્થાઓ માનવતા દર્શાવવાના આ મહામારી કાળમાં અગાઉ જેટલું જ વાજબી ભાડું લે છે એટલું જ નહીં ગરીબ દર્દીની આર્થિક સ્થિતિ નથી તેવું લાગે તો મફત સેવા આપી સેવા ધર્મ બજાવી ગરીબોની દુવા લે છે તો બીજીબાજુ ખાનગી એમ્બ્યુલન્સોના નામે સીએનજી અને ડીઝલવાળી ઘણી ગાડીઓ લાલલાઈટ લગાવી દોડતી થઈ ગઈ છે. તેની આરટીઓ અને પોલીસતંત્ર તપાસ કરાવે અને તેના દ્વારા ઉઘરાવાતા બેફામ ભાડાની તેમાં મુસાફરી કરતા દર્દી અને સંબંધીની પૂછપરછ કરી ખરી હકીકત જાણે તો મજબૂરીનો કેટલી હદે ગેરલાભ લેવાય છે તે સ્પષ્ટ સામે આવે. ગતરાત્રે એક મહિલાએ એમ્બ્યુલન્સ માટે વાત કરતાં ભાડું ઓછું ન કરાયું એટલે આ સ્થિતિમાં ભાડા માટે ગરીબ મહિલાઓએ ફંડ કરવું પડયું હતું. તેવો ચોકાંવનારો કિસ્સો બન્યાની સંબંધિત વર્તુળોએ ફરિયાદ કરી હતી. ભુજમાંથી સીએનજી ગાડીવાળા 1200થી 1500, અંજાર, ગાંધીધામ જવા 200થી 300નો ખર્ચ તેના 3500 ભાડું તો ડીઝલ એમ્બ્યુલન્સ તરીકે દોડાવાતી ગાડીવાળા તો 6થી 7 હજાર વસૂલે છે. અમદાવાદથી સીએનજી એમ્બ્યુલન્સ ગાડીનો રિટર્ન ખર્ચ 2થી 3 હજાર થાય તેના ગરજ મુજબ 15થી 20 અને તેથી ય વધી 25 હજાર ભાડા વસૂલાય છે. ગરીબ દર્દીને બચાવવા માટે અણીનો સમય સાચવવા મરો થાય છે તે બાબતે સત્તાવાળા અને લોકનેતાઓ લોકડાઉન માટે પ્રયાસો કરે છે તેથી એમ્બ્યુલન્સોના બેફામ લેવાતા ભાડા સામે પણ લાલ આંખ કરી વાજબી ભાડાં કરાવે તેવું દર્દીઓના કુટુંબીજનોએ વ્યથિત સ્વરે જણાવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer