મનરેગામાં 150 દિવસ કરવા, ગાયોને સબસિડી આપવા માંગ

સતાપર (તા. અંજાર), તા. 22 : કોરોના મહામારીમાં મનરેગાના કામમાં 100 દિવસને બદલે 150 દિવસ રોજગારી કરી આપવા બાબત તથા ગૌસેવા ટ્રસ્ટોને સબસિડી આપવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. કચ્છ જિલ્લા કોંગ્રેસના મંત્રી દિનેશ માતાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, હાલમાં કોરોના વાયરસના કારણે ભારત દેશમાં છેલ્લા 1 વર્ષથી ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે. લોકો બેરોજગાર બન્યા છે. ખેડૂતો, વેપારીઓ, નાના ધંધાર્થીઓ અને ફેરિયાવાળાઓને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે. મનરેગાના કામો અમુક ગામડાઓમાં ચાલે છે. જે દ્વારા 100 દિવસ રોજગારી અને રૂા. 224 એક દિવસનું રોજ કામ પ્રમાણે આપવામાં આવી રહ્યું છે. અમારી એવી રજૂઆત છે કે કોરોનાના કારણે બેરોજગારીનો પ્રશ્ન ઊભો થયો છે અને કોઈ કામ ન હોતાં ગરીબો અને મજૂરો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે મનરેગામાં 100 દિવસને બદલે 150 દિવસ રોજગારી આપવામાં આવે તેવી અમારી માગણી છે અને મનરેગાના ચાલી રહેલા કામોની જગ્યાએ છાંયડાની વ્યવસ્થા કરવા અને માસ્ક અને સેનિટાઈઝર આપવા જોઈએ. દૂરની જગ્યાએ કામ ચાલુ હોય તો આવવા જવાનું ભાડું પણ મજૂરોને ચૂકવવામાં આવે તેવી માગણી કરી હતી. સરકાર દ્વારા ડિસેમ્બર-2020 સુધી ગૌસેવા ટ્રસ્ટોને ઢોર દીઠ રૂા. 25 સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ગૌસેવા ટ્રસ્ટોને સબસિડી આપવાનું બંધ કરવામાં આવી છે. જેથી ગૌસેવા ટ્રસ્ટોને સબસિડી ફરીથી શરૂ કરવામાં આવે તેમજ ઢોર દીઠ રૂા. 35 સહાય ગૌસેવા ટ્રસ્ટોની ચૂકવવામાં આવે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer