વાગડનાં આરોગ્ય કેન્દ્રોને કનડતી સમસ્યાઓનું વેળાસર નિરાકરણ લવાશે

આડેસર, તા. 22 : હાલના કોરોનાકાળમાં જિલ્લા પંચાયતની ટીમે વાગડનાં ચિત્રોડ, ગાગોદર, પલાંસવા, ભીમાસર ભુ., આડેસર, ફતેહગઢ, બેલા, રાપર અને સુવઈનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. ચિત્રોડ, ગાગોદર, પલાંસવા, ભીમાસર ભુ. બાદ જ્યારે આ ટીમ આડેસર પહોંચી ત્યારે આ પ્રવાસ દરમ્યાન તેઓને શું જાણવા મળ્યું તેવું જિલ્લા પ્રમુખને પૂછવામાં આવ્યું, તેના જવાબમાં તેમણે કહ્યું કે, આ વિસ્તારની પી.એચ.સી.ઓની પરિસ્થિતિ સારી છે. જો કે, આડેસરના પી.એચ.સી.માં સ્ટાફનો અભાવ છે. એમ્બ્યુલન્સ 2 મહિનાથી બગડેલી છે, જેનાં રિપેરિંગ માટે તંત્ર કોઈ ધ્યાન આપતું ન હોવાની રજૂઆત કરવામાં આવી છે. અહીં 1000 દર્દીમાંથી 20 દર્દી જ સરકારી દવાખાને જઈ રહ્યા છે.બાકીના પ્રાઈવેટ દવાખાનાંઓમાં સારવાર લે છે અને આડેસરના પ્રાઈવેટ દવાખાનાંઓ છેલ્લા 15 દિવસથી ઊભરાઈ રહ્યાં છે. આ વિસ્તારના દરેક 100માંથી 60 લોકો આ તાવ, માથું, કળતર, શરીરમાં એકદમ અશક્તિના શિકાર બન્યા છે. આડેસર પી.એચ.સી.ના ડોક્ટરે વાતની ગંભીરતાને ધ્યાને લઈ આ કામગીરી આરંભી દેવાનું કહ્યું હતું અને દરેક ઘરે સર્વે કરી દર્દીઓને યોગ્ય દવાઓ આપવામાં આવશે. આડેસર આવેલી જિલ્લા પંચાયતની ટીમનું આડેસરના સરપંચ ભગાભાઈ, આડેસર મહાજનના રમણિકભાઈ તેમજ ગ્રામજનોએ સ્વાગત કર્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer