કચ્છમાં ઓક્સિજનની અછત પણ સરકારી આંકડા મુજબ 61 સિલિન્ડરની બચત

ભુજ, તા. 22 : એક બાજુ કચ્છમાં કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનની અછતના હેવાલો  મળી રહ્યા છે. તો બીજીબાજુ સરકારી ચોપડે ચડેલી વિગતો મુજબ 461 સિલિન્ડરની બચત. કચ્છમાં ઓક્સિજનના છ સપ્લાયર હોવાની સરકારી તંત્ર દ્વારા વિગતો પ્રાપ્ત થઈ છે, જેમાં અગ્રવાલ એન્ડ કું (મોટી ચીરઈ) કચ્છ ગેસીસ?(નાની ચીરઈ) ખાતે ઝીલ એનર્જી ઈન્ડસ્ટ્રીઝ?(લાખાપર-મુંદરા), ચંદન ગેસીસ કું. (અંજાર), અને ઈલેકટ્રોથર્મ (ઈન્ડિયા) લિ. સામખિયાળીની કુલ ઉત્પાદન ક્ષમતા 3200 સિલિન્ડર એટલે કે 29.02 મેટ્રિક ટનની છે. જ્યારે કુલ વપરાશ  2739 સિલિન્ડર એટલે કે 24.89 મેટ્રિક ટનની છે તેવું ઓક્સિજન ઉત્પાદન અને નિયંત્રણ સમિતિના નોડેલ ઓફિસર સાદીક મુંજાવરે જણાવ્યું હતું.  ઉત્પાદિત જથ્થો કઈ કઈ હોસ્પિટલને કેટલો આપવાનો છે તે જિલ્લા કલેક્ટર દ્વારા રચાયેલી ઓક્સિજન વિતરણ અને નિયંત્રણ સમિતિ કરે છે. ઉત્પાદક એકમો ખાતે પોલીસ બેસાડાઈ છે. તો ડેટા વેરીફિકેશન માટે મહેસૂલી કર્મચારી નિયુક્ત કરાયા છે. ઔદ્યોગિક હેતુ માટે ઉત્પાદિત ઓક્સિજનની અને મેડિકલ હેતુ માટે વપરાય છે તેનો ગ્રેડ સરખો જ હોય છે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.દરમ્યાન ઓક્સિજનનો વધારે જથ્થો ઉપલ્બધ કરાવવા લિકવિડ ઓક્સિજનની ટેન્ક માટે રિલાયન્સ જામનગર સાથે હોસ્પિટલની ગોઠવણ કરાવી અપાઈ છે.સરકારી અને ખાનગી માન્ય કોવિડ હોસ્પિટલોને ઓક્સિજનની જરૂરત મુજબ વિતરણ કરાય છે, જેમાં ભુજની 18 હોસ્પિટલ, અંજારની 10, મુંદરાની 3, માંડવીની 7 અને નખત્રાણાની 4 હોસ્ટિપલોનો સમાવેશ કરાયો હોવાનું બિનસત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. ઓક્સિજન ઉત્પાદક એકમોએ સંબંધિત હોસ્પિટલોને પુરવઠો પૂરો પાડયા બાદ વધે તે અનામત રાખવાનો છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer