ગૌશાળા-પાંજરાપોળને સબસિડી સહાય જુલાઈ સુધી ચૂકવવા માંગ

ભુજ, તા. 22 : કચ્છમાં ગૌવંશની સંખ્યા મોટા પ્રમાણમાં છે. એન્કરવાલા અહિંસાધામ છેલ્લા 30 વર્ષથી પાંજરાપોળ અને પશુ હોસ્પિટલરૂપે કાર્ય કરી રહી છે. હાલ સંસ્થામાં 3500થી વધારે પશુ આશ્રય લઈ રહ્યા છે. પશુઓની સારી રીતે સારવાર થઈ શકે તે માટે 2 આઈ.સી.યુ. બનાવેલા છે. 24 કલાક વેટરનરી નિષ્ણાત ટીમ કાર્યરત છે. દરરોજનો બે લાખથી વધારેનો ખર્ચ છે. કચ્છની પાંજરાપોળો મુંબઈના મહાજન, યુ.કે., આફ્રિકા અને વિદેશ સ્થિત પટેલ તથા અન્ય પરિવારોના મુખ્ય સહયોગથી ચાલી રહી હતી. સમય નબળો ચાલી રહ્યો છે જે સારો થઈ જશે, પરંતુ જે ધાર્યું હતું તે થયું નહીં અને પરિસ્થિતિ ગંભીર બની છે. સરકાર દ્વારા ફાળવવામાં આવેલી સબસિડીની સહાયથી લોકોએ અત્યાર સુધી પશુઓનું ભરણપોષણ કર્યું, પરંતુ હવે આગળ ભરણપોષણ કરવું વધારે મુશ્કેલીભર્યું બની રહ્યું છે, તો સરકાર એપ્રિલ, મે, જૂન, જુલાઈ સુધી સબસિડીની સહાય વધારી આપે તેવી માંગ ભગવાન મહાવીર પશુરક્ષા કેન્દ્ર વતી ગિરીશ ડુંગરશી નાગડાએ રાજ્યના મુખ્યમંત્રીને કરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer