મેઘપર (બો)માં મકાનના સોદા અંગે થઈ રજૂઆત

ગાંધીધામ, તા. 22 : અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં આવેલા નૂરીનગરના એક મકાન અંગે રૂપિયા લીધા બાદ મકાન આધેડના નામે ન કરાવી આપી તેમજ રિપેરિંગ ન કરાવતાં આ અંગે પોલીસ અધીક્ષકને લેખિત રજૂઆત કરાઈ હતી. મેઘપર બોરીચી નૂરીનગરમાં રહેતા મુકેશ પરમાનંદ મુરજાનીએ આદિપુરના હરેશ જેઠાનંદ તનવાણી વિરુદ્ધ લેખિત ફરિયાદ કરી હતી. આ અરજદારે વર્ષ 2013માં હરેશ પાસેથી નૂરીનગરમાં મકાન ખરીદ્યું હતું. જેના રૂા. 6 લાખ આપ્યા હતા. જે તે વખતે આ શખ્સે મકાન તેમના નામે કરી આપી તેને રિપેરિંગ કરી આપવા અંગે સોગંદનામું પણ કર્યું હતું. તેમ છતાં તેણે આવું ન કરતા આ અરજદાર મુકેશ મુરજાનીએ આઈ.જી.પી.ને રજૂઆત કરી હતી. જેના સંદર્ભે અંજાર પોલીસે તપાસ કરી હતી. તેમાં પણ આ હરેશ તનવાણીએ થોડા દિવસમાં મકાન અરજદારના નામે કરી રિપેરિંગ કરી આપવાની બાંહેધરી આપી હતી. બાદમાં લોકડાઉન થતાં આ શખ્સે હાલમાં પણ રૂપિયા ન આપતા કે મકાન આ અરજદારના નામે ન કરતા આ અંગે પોલીસવડાને લેખિતમાં રજૂઆત કરી આ પ્રકરણમાં ફરિયાદ નોંધવા માંગ કરાઈ હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer