જૂના કટારિયા પાસે ચાલુ વાહનમાંથી પ.26 લાખનો સામાન સેરવાયો

ગાંધીધામ, તા. 22 : ભચાઉ તાલુકાના જૂના કટારિયા નજીક ચાલુ વાહનમાંથી રૂા. 5,26,829ના સામાનની ચોરી થતાં આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. બીજી બાજુ ગાંધીધામના ગુ.હા. બોર્ડ વિસ્તારમાં કારના રૂા. 18,000ના ચાર પૈડાંની ચારી થઇ હતી. અમદાવાદમાં રહેનારા અને આ બનાવના ફરિયાદી કલ્પેશ રામલાલ રાણા રૂબી રોડલાઇન્સમાં કામ કરે છે. તે ગત તા. 6/1ના આઇસર વાહન નંબર જીજે-01-એચટી- 6090માં એમેઝોન કંપનીનો સામાન ભરી આદિપુર આવવા નિકળ્યો હતો. ધ્રાંગધ્રા પાસે માનપુર ગામ નજીક આ ચાલકે હોટલે ઊભા રહી વાહનમાં લાગેલા સીલ તપાસ્યા હતા. અહીં સીલ બરોબર હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું. બાદમાં સામખિયાળી, મોરબી ધોરીમાર્ગ ઉપર જૂના કટારિયા નજીક વડવાળા હોટેલ પાસે પહોંચતાં દરવાજાઓનો અવાજ થયો હતો જેથી આ ચાલકે હોટેલ પાસે વાહન ઊભું રાખી તપાસતાં ચાલુ વાહનમાં ચોરી થઇ ગઇ હોવાનું બહાર આવ્યું હતું. આ વાહનમાંથી રૂા. 5,26,829ની 600 જેટલી વિવિધ વસ્તુઓની ચોરી થઇ હતી. લાકડિયા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બીજી બાજુ ગાંધીધામના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તરમાં ગત તા. 20/4ની રાત્રિ દરમ્યાન ચોરી થઇ હતી. આ વિસ્તારમાં ઊભેલી કાર નંબર જીજે-12-એઆર- 0232માંથી રૂા. 18,000ના ચાર પૈડાંની કોઇ શખ્સોએ ચોરી કરી હતી. દિલીપસિંહ બાબુજી ઝાલાએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer