અંજાર તાલુકાના ગામોમાં ચૂંટણી સંદર્ભે કોંગ્રેસે સાધ્યું ભાવવધારા પર નિશાન

અંજાર તાલુકાના ગામોમાં ચૂંટણી સંદર્ભે કોંગ્રેસે સાધ્યું ભાવવધારા પર નિશાન
ગાંધીધામ, તા. 24 : અંજાર તાલુકાની જાહેર સભાઓમાં કોંગ્રેસી નેતાઓ દ્વારા સત્તાપક્ષની સરકાર દ્વારા આચરાયેલા મોંઘવારી, ભ્રષ્ટાચાર સહિતના વિવિધ કૌભાંડોને પ્રજા સમક્ષ મૂકવામાં આવ્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત જિલ્લામાં વિવિધ?જગ્યાઓએ સભાઓ યોજવામાં આવી રહી છે, જે અનુસંધાને અંજાર તાલુકાની ખેડોઇ જિલ્લા પંચાયત બેઠક અને તાલુકા પંચાયતની બેઠકના પ્રચાર-પ્રસાર સંદર્ભે ખેડોઇ?ખાતે લોકસંપર્ક અને જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા ભાજપ સરકાર દ્વારા થયેલા પ્રજા વિરોધના કામોને લોકો સમક્ષ દર્શાવવામાં આવ્યા હતા. હાલમાં થયેલા ભાવવધારાની પરિસ્થિતિ પણ લોકો સમક્ષ?રજૂ કરવામાં આવી હતી. પાછલા ઘણા સમયથી પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસના ભાવોમાં થયેલા સતત વધારાના કારણે લોકો આર્થિક રીતે પરેશાન થયા છે. અમુક ગામડાંઓના લોકોમાં શિક્ષણના અભાવને કારણે તેમને સરકારી કચેરીઓમાં ધક્કા ખવડાવવામાં આવે છે. ખોટી યોજનાઓ બતાવી લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવે છે તેમજ ખોટા કાયદાઓ બનાવી અને વિવિધ પરિવહન વેરા, રોડ ટેક્સ જેવા કામો કરી લોકોના ખિસ્સામાંથી અને બેંકના ખાતામાંથી પૈસા લૂંટવાનું કામ આ સરકાર કરી રહી છે તેવું જિલ્લા પ્રમુખે જાહેરસભાને સંબોધતાં જણાવ્યું હતું. આવા કૌભાંડ ન થાય અને પ્રજાને પોતાના હક્કની પૂરતી સવલતો મળી રહે, તેમના પૈસા તેમના જ ઉપયોગમાં આવે તે માટે રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને ડર્યા-ગભરાયા વગર પોતાનો મત આપી અને વિજયી બનાવવા અપીલ કરાઇ હતી.આ સમગ્ર કાર્યક્રમો દરમ્યાન જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા સાથે વી. કે. હુંબલ,રમેશભાઇ ડાંગર, યુવરાજસિંહ જાડેજા, કરશનભાઇ રબારી, શિવજીભાઇ આહીર, નવલસિંહ જાડેજા વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer