આજે ગાંધીધામ રેલવે મથક અનલોક

ગાંધીધામ, તા. 15: કોરોના સંક્રમણને  અટકાવવા લોકડાઉન જાહેર કરાયા બાદ માર્ચ મહિનાથી જ પ્રવાસી ટ્રેનોની અવર-જવર સદંતર બંધ છે ત્યારે ગાંધીધામ રેલવે સ્ટેશન આવતીકાલથી અનલોક થશે. લાંબા અંતરની  સ્પેશિયલ ટ્રેનના સંચાલન માટે સ્થાનિક રેલવે પ્રશાસન સજ્જ  બની ગયું છે. આ સ્પેશિયલ ટ્રેનની પ્રથમ ટ્રીપમાં જ ગાંધીધામથી  નોંધપાત્ર પ્રવાસીઓ સફર કરશે.રેલવે પ્રશાસન દ્વારા અનલોકના તબક્કામાં સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવે છે. જો કે આ શ્રેણીની ટ્રેનોમાં કચ્છનો વારો હવે આવ્યો છે.આવતીકાલે ગાંધીધામ ખાતે  રાત્રિના 11 વાગ્યે   ઓરિસ્સાના ખુર્દા રોડ  માટેની સ્પેશિયલ ટ્રેન રવાના થશે.  કોરોના સંક્રમણને  અટકાવવા માટે સ્થાનિક રેલવે પ્રશાસન દ્વારા  તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂકયો છે. નિયમ મુજબ  દરેક  પ્રવાસીઓનું થર્મલ ક્રીનિંગ  કરાશે. જે પ્રવાસીઓની ટિકિટ કન્ફર્મ હશે તેમને જ પ્રવેશ આપવામાં આવશે.વેઈટિંગ  ટિકિટ ધરાવતા પ્રવાસીને પ્રવેશ આપવામાં નહીં આવે. આ તમામ તપાસમાં સરળતા રહે તે માટે  ટ્રેન ઉપડવાના સમયના બે કલાક પહેલાં પ્રવાસીઓને  રેલવે સ્ટેશન પહોંચવા અપીલ કરવામાં આવી છે. આવતીકાલે સમગ્ર સ્ટેશન પરિસરને સેનિટાઈઝ કરવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.  પ્રવાસીઓએ આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવી ફરજિયાત રહેશે. પ્રવાસ દરમ્યાન માસ્ક અને સેનિટાઈઝર સાથે રાખવા પ્રવાસીઓને અનુરોધ કરાયો છે. સામાજિક અંતર જળવાઈ રહે તે માટેની પૂરતી તકેદારી રેલવે પ્રશાસન દ્વારા  રાખવામાં આવી છે. આ ખાસ ટ્રેનમાં ગાંધીધામથી  500થી વધુ પ્રવાસીઓ સફર કરશે. ગાંધીધામથી રવાના થયા બાદ ટ્રેન સીધી વિરમગામ થોભશે. અમદાવાદ, વડોદરા, સુરત સહિતના સ્ટેશનોથી આ ટ્રેનની તમામ શ્રેણીઓમાં વેઈટિંગ લિસ્ટ   છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer