નાગોર પાસે ઘરમાંથી કતલખાનું ઝડપી પડાયું

ભુજ, તા. 11 : તાલુકાના નાગોર ગામ નજીક ગામના એક ઇસમ દ્વારા ચાલતાં પશુઓના ગેરકાયદે કતલખાનાનો આજે સ્થાનિક પોલીસે દરોડો પાડીને પર્દાફાશ કર્યો હતો. આ સ્થળેથી એક મહિલાની ધરપકડ કરાઇ હતી. તો અન્ય બે આરોપી નાસી ગયા હતા. પશુના 60 કિલો માંસ સહિતની કતલખાનાની માલસામગ્રી કબજે કરાઇ હતી. ભુજ શહેર બી. ડિવિઝન પોલીસે હાથ ધરેલી આ કાર્યવાહીમાં સારૂબેન લતિફ ઉર્ફે રઘુડો અબ્દુલ્લા મમણની ધરપકડ કરાઇ હતી. જયારે તેનો પતિ લતિફ ઉર્ફે રઘુડો અબ્દુલ્લા મમણ અને એક અજ્ઞાત બાઇક ચાલક મળી અન્ય બે આરોપી દરોડા સમયે નાસી ગયા હતા. પોલીસે આ ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સાધનોએ આપેલી માહિતી મુજબ કતલ કરાયેલા કોઇ પશુનું 60 કિલો માંસ, વજનકાંટો અને વજનિયાં, બે કોયથા, છરી, ચપ્પુ અને પ્લાસ્ટિકના ઝભલા, એક સ્કોરપીયો જીપકાર, એક રિક્ષા, એક બાઇક અને એક મોબાઇલ ફોન મળી કુલ રૂા. 2.65 લાખની માલસામગ્રી બનાવના સ્થળેથી કબજે કરી હતી. નાગોર ગામ તરફ જતા ગામથી પહેલે આવતા પોતાના રહેણાંકના મકાનમાં લતિફ ઉર્ફે રઘુડો મમણ પશુઓની ગેરકાયદે કતલ કરીને તેના માંસના વેંચસાટની પ્રવૃત્તિ કરતો હોવાની બાતમી બી. ડિવિઝન પોલીસ મથકના સહાયક ફોજદાર પંકજ કુસવાહને મળી હતી. જેના આધારે ઇન્સ્પેકટર એસ.બી. વસાવાની રાહબરીમાં સ્ટાફના સભ્યોને સાથે રાખીને દરોડાની આ કાર્યવાહી કરાઇ હતી તેવું પોલીસ સાધનોએ ઉમેર્યું હતું. હાથમાં ન આવેલો સૂત્રધાર લતિફ અને તેનો સાગરિત એવો અજ્ઞાત બાઇક ચાલક પકડાયા બાદ આ કતલખાનાના નેટવર્ક વિશે વધુ કડીઓ સ્પષ્ટ થવાની પોલીસ ધારણા સેવી રહી છે.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer