તંત્રી સ્થાનેથી.. દીપક માંકડ - તાજેતરમાં બનેલી કેટલીક અપરાધિક ઘટનાઓ સમાજ માટે ચિંતા જગાવનારી છે. થોડા સમય અગાઉ ભુજનું પોસ્ટ ઓફિસ કૌભાંડ ગાજ્યું હતું, જેનો હજુ નિવેડો આવવાનો બાકી છે. તાજેતરમાં સોની વેપારી દ્વારા બીજા વેપારીને નકલી ઘરેણાં વેચીને લાખોની ઠગાઇ કરવામાં આવી અને વડાલામાં મુંબઇવાસી શ્રેષ્ઠીને જમીન દેખાડવા લઇ જવાયા બાદ ઘાતકી હત્યા કરીને તેમણે પહેરેલાં ઘરેણાં લૂંટી લેવામાં આવ્યાં. એ સિવાય પણ બીજા કેટલાય નાના-મોટા ગુના બન્યા હશે, પરંતુ આ કિસ્સાઓમાં એક સામ્ય છે અને તે છે અરસપરસના વિશ્વાસને છેહ આપવો. શહેર કે ગામડાંમાં સામાજિક સમરસતાનું મૂલ્ય ઊંચું છે. કચ્છનાં સેંકડો ગામમાં મુંબઇવાસી કચ્છીઓ કે એનઆરઆઇનાં ઘર છે, જેનો સ્થાનિક લોકોના ભરોસે વ્યવહાર ચાલતો હોય છે. પેઢી દર પેઢીનો સંબંધ નિભાવાતો હોય છે. વડાલાની ઘટનામાં હતભાગી મનસુખભાઇ આરોપી સાથે જમીન જોવા ગયા હતા ને જીવ ગુમાવી બેઠા. તેમણે કલ્પનાય નહીં કરી હોય કે પોતાની વતનભૂમિમાં સ્થાનિક જણના સથવારે જવાની કિંમત જીવ સાટે ચૂકવવી પડશે. ભારે અરેરાટીભર્યા આ બનાવે મુંબઇગરા કચ્છીઓમાં ભય ફેલાવ્યો છે. જૈન અગ્રણીના જણાવ્યા મુજબ માત્ર વડાલા ગામમાં 7 વર્ષમાં હત્યાનો આ ત્રીજો બનાવ છે. વડીલોને તેમની ઈચ્છાથી પોતીકાં ગામમાં વસાવતા પરિવારો ગંભીર ચિંતામાં મુકાયા છે. એક મહિના પૂર્વે હત્યાકાંડ રચાયો એ પછી વડાલામાં જૈનોના 11 પરિવાર પલાયન કરી ગયા છે. આપણી કાયદો વ્યવસ્થા સામે આ ગંભીર પડકાર છે. લોકોનો સરકાર ઉપર વિશ્વાસ તૂટે, એ કેમ ચાલે ? કચ્છમાં જૈનોની વસતી પુષ્કળ છે. જિલ્લાનાં અર્થતંત્રમાં, સામાજિક - સેવાકીય કાર્યોમાં જૈન સમાજનુંય મોટું યોગદાન છે. કચ્છી જૈન પરિવારો મોટાભાગે માંડવી-મુંદરાને આવરી લેતા કંઠીપટ્ટમાં વસે છે. અબડાસામાંય તેમની હાજરી છે. તેમનામાં અપરાધની આવી ઘટનાઓથી ડર બેસી ગયો છે. વિશેષ તો ગુનો બન્યા પછી તેનો ભેદ ઉકેલવામાં નીકળતો લાંબો સમય લોકોમાં હતાશા અને અસુરક્ષિતતાની લાગણી જન્માવે છે. થોડા સમય અગાઉ બારોઇમાં યુવાનની કરપીણ હત્યાનો બનાવેય વણઉકેલ છે. મુંદરા ઔદ્યોગિક વિસ્તાર છે. સેંકડો પરપ્રાંતીય પરિવાર વસ્યા છે. ગુનાખોરીમાં ઉછાળો આવ્યો છે. જિલ્લા પોલીસ તંત્રએ એને અનુલક્ષીને પગલાં લેવાં આવશ્યક છે. પોલીસ તંત્રની ધાક એવી હોવી જોઇએ કે, અસામાજિક તત્ત્વો ગુને કરતાં ભય પામે...આ ધાક પ્રામાણિકતા અને કાર્યદક્ષતામાંથી નીપજતી હોય છે એ રખે ભુલાતું. માત્ર મુંદરા પંથક જ નહીં, કચ્છમાં જ્યાં પણ?ખૂન કે લૂંટની ઘટના બની છે તેના ઝડપી ડીટેક્શન માટે તંત્રએ ખાસ તપાસ ટુકડી રચીને નિવેડો લાવવો જોઇએ. સમયનો આ તકાજો છે. કોઇપણ ગુનામાં તપાસ કે કાર્યવાહી લાંબો સમય ચાલતી રહે છે, તેથી ગુનો આચરનારાની હિંમત વધી જતી હોય છે. કોરોનાએ હજારો પરિવારોની કમર તોડી નાખી, ધંધા-રોજગારના પ્રશ્નો ઊભા થયા એ પછી મુંબઇ જૈન સમાજે વતનની વાટ પકડી છે. કેટલાય કુટુંબ અહીં ખેતી કરતાં થયાં છે. બીજા ધંધા-રોજગારમાં નસીબ અજમાવી રહ્યાં છે. મુંબઇમાં રોજી-રોટી ખૂટી છે એવું નથી, આ નિર્ણયમાં વતન પ્રત્યેનું ખેંચાણ છે. પોતીકું ગામ, ઘર, દેવસ્થાન આ બધાંનો મહિમા મોટો હોય છે. મુંબઇ જૈન સમાજ દ્વારા પરિવારોને પાછા કચ્છમાં વસાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, ત્યારે વડાલા જેવા બનાવ આવી હકારાત્મક પ્રવૃત્તિમાં મોટો અવરોધ ઊભો કરે છે. સુરક્ષાની ગેરેન્ટી ન હોય તો લોકો રહેવા તૈયાર ન જ થાય. આ પ્રશ્ન ગંભીર છે. વડાલાની ઘટનાનું એક બીજું પાસું એ છે આરોપીએ સંતાનોની મોંઘીદાટ સ્કૂલ ફી ભરવા માટે હત્યા નીપજાવી હોવાનું ખુલ્યું છે. ભુજનાં જ્વેલર્સ દંપતી દ્વારા વેપારી સાથે છેતરપિંડીની ઘટનામાંય સંતાનની બીમારીનું બહાનું આગળ ધરવામાં આવ્યું હતું. આમાં ક્યાંક દેખાદેખીમાં ગજાં ઉપરાંતનો ખર્ચ કરી નાખવાની માનસિકતાયે જવાબદાર જણાય છે. બાળકોને સારું ભણતર અપાવવું, શક્ય હોય તો ઉચ્ચાભ્યાસ માટે વિદેશ મોકલવાની દરેક મા-બાપની તમન્ના હોય છે, પરંતુ એ માટે કોઇનો જીવ લઇ લેવો અથવા તો છેતરીને બીજાની જિંદગી બરબાદ કરી નાંખવી એ અત્યંત નિંદનીય અપરાધ છે.વ્હાઇટ કોલર લોકોમાં - ઉચ્ચ સોસાયટીમાં રહેનારાઓ ગુનાહિત માનસિકતા ધરાવતા થઇ ગયા છે. એ સમાજશાત્રીઓ માટે ચિંતાનો વિષય છે. આની પાછળ ક્યાંક ને ક્યાંક ભૌતિક ચીજો અને સુખસાહ્યબી માટેની ભૂખ જવાબદાર ઠરતી હોય છે. પોસ્ટ ઓફિસ કૌભાંડમાંય વિશ્વાસના આધારે ચાલતું વહાણ જ ડૂબાડીને અધધધ રકમનો ગોટાળો કરવામાં આવ્યો છે. આવા અણગમતા બનાવો સમાજ માટે કલંકરૂપ છે, સાથે સાવચેતીની આલબેલ પોકારે છે. ડિજિટલ ટેક્નોલોજીનું ચલણ વધ્યું છે, ત્યારે આર્થિક અપરાધોને મોકળું મેદાન મળ્યું છે. ડગલે ને પગલે સાવચેતી રાખવી આવશ્યક છે.બળબળતાં રણમાં મીઠી વીરડીયે મળી આવે છે. થોડા દિવસો પહેલાં વાગડનાં શાનગઢના કોળી યુવાનની પ્રામાણિકતાનો કિસ્સો મનને પ્રસન્નતા આપનારો રહ્યો. રૂા. 15 લાખનાં દાગીના ભરેલી બેગ રસ્તે રઝળતી મળી ને પળનોય વિલંબ કર્યા વિના એ મૂળ માલિકને પરત કરી દીધી, એ ઘટનાએ માનવતા અને પ્રામાણિકતાનું પોત મજબૂત કર્યું છે. આવું સુખદ બને ત્યારે ધરપત મળે છે. એક તરફ?વડાલાના વિશ્વાસઘાતી આધેડ જેવા અપરાધી છે, બીજી તરફ માણસાઇનો ગુણ ધરાવતા ભરત ભલાભાઇ?કોળી જેવા યુવાન વિશ્વાસનો દીવડો ઝળહળતો રાખી રહ્યા છે. ખેર, વડાલા હત્યાની મૂળ વાત પર પાછા આવીએ, તો પોલીસે આવા બનાવો ફરી ન બને એની ચીવટ રાખવી પડશે. કચ્છ દરેક કચ્છીઓનું છે. અહીં રહેવા માગતા સૌ કોઇને સુરક્ષિતતાનો ભરોસો દેવડાવવાનું કામ પોલીસતંત્રનું-સરકારનું છે.
યુક્રેન પર રશિયાનું આક્રમણ લંબાતું રહ્યંy છે. સતત હુમલા છતાં રશિયા માટે વિજય હજી અનિશ્ચિત જણાઇ રહ્યો છે. યુક્રેનને પશ્ચિમી દેશોના ખોળે બેસતું રોકવા અને તેને હડપી લેવાના ઉદ્દેશ સાથે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શરૂ કરેલાં આ આક્રમણની અવળી અસર વર્તાવી શરૂ થઇ ગઇ હોય તેમ જણાય છે. યુક્રેન પરનાં આક્રમણની રશિયાનાં બે પડોશી રાષ્ટ્ર સ્વીડન અને ફિનલેન્ડ પર ગંભીર માનસિક અસર ઊભી કરી છે, જેનાં પરિણામે આ બન્ને દેશોએ રશિયાનાં વિરોધી નાટો સંગઠનમાં જોડાવાની તૈયારી કરી લીધી છે. છેક શીતયુદ્ધના સમયથી તટસ્થ વલણ જાળવી રહેલા આ બન્ને દેશો હવે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન (નાટો)માં જોડાવાની અરજી કરવાના છે. આમ તો આ બન્ને દેશ તેમની પડોશી મહાસત્તાને નારાજ કરવા ઇચ્છતા ન હતા, પણ હવે યુક્રેનની હાલત જોઇને તેઓ નાટોમાં જોડાવા પ્રેરાયા હોવાનું જણાઇ રહ્યંy છે. રશિયા સાથે 1300 કિલોમીટર લાંબી સરહદ ધરાવતાં ફિનલેન્ડમાં તો નાટોના મુદ્દે રીતસરનો લોકમત લેવાયો હતો. આ લોકમતમાં 76 ટકા નાગરિકોએ નાટોમાં જોડાવાની તરફેણ કરી હતી, જ્યારે માત્ર 12 ટકાએ તેનો વિરોધ કર્યો હતો. નાટોના મહામંત્રી પણ કહી ચુક્યા છે કે, આ બન્નેની અરજી પર ઝડપભેર હકારાત્મક નિર્ણય લેવાશે. જોકે આ અરજીની સામે તુર્કી આડું ફાટયું છે. નાટોના આ સભ્ય દેશે સ્વીડન અને ફિનલેન્ડને સભ્યપદ આપવાની દરખાસ્ત સાથે વીટોનો ઉપયોગ કરવાની ચીમકી આપી છે. જોકે એક વાત નક્કી છે કે, અન્ય દેશોનાં દબાણ તળે તુર્કીને તેનો વિરોધ પડતો મૂકવો પડી શકે છે. બીજી વાત એ પણ નક્કી છે કે, સ્વીડન અને ફિનલેન્ડનાં આ પગલાંથી રશિયા અને પુતિનનો રોષ ભડકી ઉઠશે. આ બન્ને દેશનાં પગલાંથી રશિયાના પ્રભાવ હેઠળના વિસ્તારમાં નાટોનો દબદબો વધશે. રશિયા કોઇપણ કિંમતે નાટોને તેની સરહદ સુધી મજબૂત થતું રોકવા માગે છે. આટલા માટે રશિયાએ ધમકી પણ આપી છે કે, આ બન્ને દેશ નાટોનું સભ્યપદ લેશે તો તેને વળતાં પગલાં લેવાની ફરજ પડશે. રશિયાએ એવા સંકેત આપ્યા છે કે, નાટોનો પ્રભાવ વધશે તો તેની અસર યુરોપમાં દ્વિપક્ષીય સંબંધો પર અને વિસ્તારની સલામતી અને સ્થિરતા પર પડશે. જોકે રશિયાએ ફોડ પાડયો નથી કે, તે વળતી પ્રતિક્રિયા કેટલી હદે તીવ્રતા સાથે આપશે. આમ, આવનારા સમયમાં પૂર્વ યુરોપનો આ વિસ્તાર રશિયા અને નાટો વચ્ચેના પરોક્ષ ગજગ્રાહને વધુ ગંભીર પરિમાણ આપશે. આ ગજગ્રાહ લશ્કરી સંઘર્ષનું સ્વરૂપ લે નહીં તેવી આશા બાકીનાં વિશ્વે રાખવી રહી.
© 2022 Saurashtra Trust
Developed & Maintain by Webpioneer