ગાંધીધામ સુધરાઇ પ્રમુખ ઉપર શાહી ફેંકાતાં હોબાળો

ગાંધીધામ, તા. 31 : અહીંની નગરપાલિકાની સામાન્યસભા યોજાય તે પહેલાં પાલિકા પ્રમુખ ઉપર શાહી ફેંકાતાં ભારે ધમાચકડી મચી હતી. આ બનાવ બાદ પોલીસને બોલાવાતાં પોલીસની હાજરીમાં ગણતરીની મિનિટોમાં સામાન્યસભા આટોપી લેવામાં આવી હતી. બાદમાં વિરોધપક્ષના નગરસેવકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા પ્રમુખ સહિતના સત્તાપક્ષના નગરસેવકો બી-ડિવિઝન પોલીસ મથકે દોડી ગયા હતા. અહીંના રામલીલા મેદાન પાસે આવેલા ટાઉનહોલમાં આજે સવારે 10.30ના અરસામાં પાલિકા દ્વારા સામાન્યસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વખતની જેમ આ વખતે પણ માર્ગ, ગટર, પાણીની લાઇન વગેરે કરોડોના કામ આ સામાન્યસભામાં લેવામાં આવ્યા હતા. આ સભા શરૂ થાય તે પહેલાં વોર્ડ 12, સેક્ટર 10-બી જી.આઇ.ડી.સી. ઝૂંપડપટ્ટીની મહિલાઓ અહીં આવી પહોંચી હતી. છેલ્લા કેટલાક સમયથી અનેક રજૂઆતો કરવા છતાં તેમને ગટરનીલાઇન ન મળતાં આ મહિલાઓ અહીં ધસી આવી હતી. ગટરલાઇનના અભાવે મહિલાઓને જાહેરમાં કુદરતી હાજતે જવું પડતું હોય છે. આવા વિસ્તારમાં અસામાજિક તત્ત્વો નશાની હાલતમાં પડયા પાથર્યા રહેતા હોવાથી મહિલાઓને કુદરતી હાજતે જવું દુષ્કર થઇ પડતું હોય છે. આ સામાન્યસભા શરૂ થાય તે પહેલાં સત્તાપક્ષના અમુક નગરસેવકો આવીને ખુરશીઓમાં ગોઠવાઇ ગયા હતા. જ્યારે બહાર મુખ્ય દરવાજા પાસે વિરોધપક્ષના કાઉન્સિલરો અને ઝૂંપડપટ્ટીની મહિલાઓ બેસી રહ્યા હતા. મુખ્ય અધિકારી આવે તે પહેલાં વિરોધપક્ષના અમુક નગરસેવકો અંદર આવી સ્ટેજ ઉપર ચડી, ટેબલ-ખુરશી ઊંધા વાળી નાખ્યા હતા અને હવે કોરોનાકાળ નથી તો શા માટે પાલિકાના હોલમાં સામાન્યસભા નથી બોલાવાતી, દર વખતે શા માટે ટાઉનહોલમાં બેઠક રાખવામાં આવે છે તેવા પ્રશ્ન સાથે વિરોધ દર્શાવ્યો હતો. થોડીવાર બાદ મુખ્ય અધિકારી દર્શનસિંહ ચાવડા આવતાં તેમને અટકાવી તેમની સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી. બાદમાં સભાનો સમય થતાં પાલિકા પ્રમુખ ઇશિતાબેન ટીલવાણી આવતાં વિરોધપક્ષના નગરસેવકોએ મુખ્ય દરવાજો બંધ કરી પ્રમુખને બહાર ઊભા રાખી દીધા હતા અને રજૂઆતો કરતાં વાતાવરણ ગરમ બન્યું હતું. દરમ્યાન પાલિકા પ્રમુખ ઇશિતાબેન ટીલવાણીના મોઢા ઉપર શાહી ફેંકવામાં આવી હતી. પોતાને અંદર ન જવા દેવાતાં તથા મોઢાં ઉપર શાહી ફેંકાતાં પાલિકા પ્રમુખે પોલીસને ફોન કર્યો હતો. અહીંની પાલિકાના ઇતિહાસમાં શાહી ફેંકવાનો આવો બનાવ બનતાં આ નાટયાત્મક ઘટનાક્રમ જાણીને હોલમાં બેઠેલા સત્તાપક્ષના અમુક નગરસેવકો બહાર દોડી આવ્યા હતા. મુખ્ય અધિકારી પણ બહાર આવી ગયા હતા. આ તમામ લોકો સભા યોજવા પોલીસની રાહ જોઇ રહ્યા હતા ત્યારે સત્તાપક્ષના અડધા જેટલા નગરસેવકો બહાર નહોતા આવ્યા અને હોલમાં જ બેઠા રહ્યા હતા. પોલીસ આવે તે માટે શહેરના પ્રથમ નાગરિક એવા સુધરાઇ પ્રમુખને પણ અનેક ફોન કરવા પડયા હતા ત્યારે પોણા કલાક બાદ ત્યાં પોલીસ આવી પહોંચી હતી. પોલીસ મોડી આવતાં સત્તાપક્ષના નગરસેવકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.આ પહેલાં પાલિકા પ્રમુખે કોંગ્રેસના નગરસેવકો કામ કરતા નથી અને કામ કરવા દેતા નથી. અમે તેમના વોર્ડમાં કામ કરીએ છીએ પણ કોંગ્રેસ વિરોધ કરે છે. આ લોકો દ્વારા કામ કરાવી જવાય છે અને વિરોધ પણ કરાય છે તેવા આક્ષેપ કર્યા હતા.અધિકારીઓ વગર મોડે મોડે આવેલી પોલીસે દરમ્યાનગીરી કરી હતી. આ દરમ્યાન સત્તાપક્ષના અમુક નગરસેવકો અને વિરોધપક્ષના કાઉન્સિલરો વચ્ચે રકઝક ઝરતાં શહેર કોંગ્રેસના પ્રમુખ સંજય ગાંધી, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુર્વેન્દ્રસિંહ જાડેજા પણ અહીં દોડી આવ્યા હતા. આવામાં સત્તાપક્ષના એક મહિલા કાઉન્સિલરના પતિએ આપણા પ્રમુખ ક્યાં ગયા ? તેવો પ્રશ્ન કર્યો હતો. પોલીસે દરમ્યાનગીરી કરતાં અને વાતાવરણ ગરમ બનતાં બાદમાં દરવાજો ખોલી નાખવામાં આવ્યો હતો. આ વચ્ચે સત્તાપક્ષના અમુક નગરસેવકો બીજા દરવાજામાંથી સભાખંડમાં પહોંચી ગયા હતા. બાદમાં પોલીસની હાજરીમાં સભા શરૂ કરવામાં આવી હતી. સભા શરૂ થતાંની સાથે જ વિરોધપક્ષના કાઉન્સિલર સ્ટેજ ઉપર ચડી ગયા હતા. તેમને રજૂઆત કરવા નીચે જવા જણાવાયું હતું. સભાની શરૂઆત થતાંની સાથે જ વિરોધ પક્ષના નેતા સમિપ જોશી તથા જયશ્રીબેન ચાવડા, અમિત ચાવડા, જગદીશ ગઢવીએ વિરોધ નોંધાવ્યો હતો અને ખાનગી ઠેકેદારને કામ ન આપવા અગાઉ ઠરાવ કરાયો હોવા છતાં આજની સભામાં તેને કામ આપવાનો એજન્ડા રાખવામાં આવ્યો છે. ઠેકેદાર દ્વારા જૂના કામ ન થાય ત્યાં સુધી નવા કામ ન આપવા તેવું જણાવાયું હોવા છતાં કરોડોના કામ શું કામ આપવામાં આવી રહ્યા છે તેવા પ્રશ્નો કર્યા હતા. પ્રમુખને બદલે સત્તાપક્ષના એક નગરસેવકે ઊભા થઇને જવાબ આપવા લાગતાં સભ્ય શું કામ જવાબ આપે છે, પ્રમુખ કેમ જવાબ આપતા નથી તેવા પ્રશ્નો વિરોધપક્ષે કર્યા હતા. વિરોધ શરૂ થતાં તમામ એજન્ડા પાસ-પાસ કરીને બેઠકને આટોપી લેવામાં આવી હતી. આ બેઠક બાદ પાલિકા પ્રમુખ અને સત્તાપક્ષના નગરસેવકો બી-ડિવિઝન પોલીસ મથકે કોંગ્રેસના નગરસેવકો વિરુદ્ધ ફરિયાદ કરવા દોડી ગયા હતા, પરંતુ આજે સાંજ સુધીમાં પોલીસના ચોપડે કોઇ જ ફરિયાદ ન ચડી હોવાનું પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com