જી-20ના ઐતિહાસિક સંમેલનનો બન્ની પંથક સાક્ષી બનવા જઈ રહ્યો હોવાનો આનંદ

ભીરંડિયારા, તા. 31 : જુદા -જુદા દેશોના ડેલિગેટસ જ્યારે ધોરડો જી-20 સંમેલનમાં ભાગ લેવા આવી રહ્યા છે ત્યારે કચ્છના છેવાડાના ધોરડો તંબુનગરીમાં જ્યાં પ્રવાસન સંમેલન થવા જઈ રહ્યું છે ત્યાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નેશનલ હાઈવે નં. 3 ભુજથી ખાવડા સુધી જે આજથી પંદર દિવસ પહેલાં બિસમાર હાલતમાં હતો જેને તાત્કાલિક ધોરણે નવા રંગરોગાન સાથે સજ્જ કરવામાં આવે છે.ભુજથી ધોરડો વચ્ચે આવતા રોડની આજુબાજુ ઝાડીઓને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે છે. ભીરંડિયારા ગામ પાસે આવેલા ટોલ પ્લાઝાની પણ સફાઈનો આરંભ કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ ધોળાવીરા માર્ગનું (જે કદાચ વરસોથી કાચબાની ગતિએ) કામ ચાલતું હતું તે પણ આ સંમેલનને કારણે ત્વરિત પણે પૂર્ણ કરવામાં આવી શકે છે. અત્યારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. ભીરંડિયારા-ભુજ માર્ગ?પર હાલના દિવસોમાં દરરોજ સરકારી કાફલાઓની ગાડીઓ દોડી રહી છે. અહીંના સ્થાનિકો ઈચ્છે કે, જે ગતિએ હાલની ઘડીએ આ રોડનું કામ પૂરું કરવામાં આવ્યું છે એવી જ રીતે સમયાંતરે કામ થતું રહે તો ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે. 2018-19માં તંબુનગરી (ધોરડોમાં) ડી.જી કોન્ફરન્સ યોજાઈ હતી. ફરી એકવાર જ્યારે જી-20 સંમેલન યોજાઈ રહ્યું છે ત્યારે બન્ની પંથક વધુ એક ઐતિહાસિક દિવસનો સાક્ષી બનવા જાય છે તેવું અહીંના લોકોનું કહેવું છે. શિખરને લીધે કદાચ તા. 7 અને 8 ફેબ્રુઆરીના માલવાહક વાહનો માટે રોડ બંધ કરવામાં આવે તેવી સંભાવના જોવા મળી રહી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com