સત્તાપક્ષનો આંતરિક વિખવાદ સપાટી પર : મહિલા નગરસેવિકાનું રાજીનામું

સત્તાપક્ષનો આંતરિક વિખવાદ સપાટી પર : મહિલા નગરસેવિકાનું રાજીનામું
અંજાર, તા. 31 : સુધરાઇમાં ભારે બહુમતી ધરાવતા ભાજપની છેલ્લા ઘણા વર્ષોથી સુધરાઇમાં સત્તા હોવા છતાં પક્ષના આતંરિક જૂથવાદને કારણે આ સુધરાઇનો વહીવટ હંમેશાં આક્ષેપોની ચર્ચામાં રહે છે. છેલ્લે જેટિંગ મશીનની ખરીદી તેમજ શહેરમાં ચાલતા વિકાસકામોમાં થતા ભ્રષ્ટાચાર-ગુણવત્તા વગરનાં કામો અંગેની સુધરાઇની સંકલન મિટિંગ તેમજ પક્ષની ખાનગી મિટિંગમાં ઉગ્ર ચર્ચા-આક્ષેપો અને રજૂઆત બાદ પણ કોઇ નક્કર કાર્યવાહી ન થવાથી આંતરિક જૂથવાદ ચરસસીમા પર છે. સુધરાઇમાં શાસક પક્ષ અત્યારે ત્રણ જૂથમાં વહેચાયેલો હોવાથી દરેક જૂથ પોતાનું વર્ચસ્વ સાબિત કરવા પ્રયત્ન કરે છે. સુધરાઇના રાજકારણમાં જિલ્લા-તાલુકાના હોદ્દેદારો પણ બહારથી વહીવટમાં દોરીસંચાર કરતા હોવાથી સુધરાઇનો વહીવટ ખાડે ગયો છે. શહેરના મુખ્ય રોડ વરસામેડી નાકા પાસે થઇ રહેલા બાંધકામની ભાગબટાઇને કારણે સંકલન મિટિંગમાં ઉગ્ર ચર્ચા થયા બાદ કોઇ પણ મોવડીના ઈશારે ન તો બાંધકામ રોકાયું કે ન કોઈ નક્કર કાર્યવાહી કરાઇ, માત્ર નોટિસ પાઠવી સંતોષ માની લેવાયો છે. સુધરાઇના વોર્ડ નં. 8માંથી ચૂંટાયેલા નગરસેવિકા રાજીબેન જેઠાભાઇ અખિયાણીએ પોતાના વોર્ડનાં કામો માટે વારંવાર રજૂઆત કરવા છતાં કામો થતાં ન હોવાથી નારાજ થઇ રાજીનામું આપી દીધું છે. સુધરાઇના પ્રમુખ  લીલાવંતીબેન પ્રજાપતિનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે તેમના વોર્ડમાં લાઇટના થાંભલાની રજૂઆત હોવાથી સ્થાનિક સર્વે કરવાથી સ્થળ?પર જગ્યા ન હોવાને કારણે નારાજ બહેને રાજીનામું આપ્યું છે, પરંતુ તેનો સ્વીકાર કરાયો નથી. અત્યારે સુધરાઇના શાસક પક્ષના નગરસેવકોમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ છે. ઘણા નગરસેવકો પોતાના વોર્ડના કામો ન થતાં હોવાથી નારાજ હોતાં હવે મોવડીમંડળ આ સુધરાઈના વહીવટમાં નારાજ નગરસેવકોને કેમ સમજાવે છે તેના પર સૌની નજર રહેશે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust