ભુજ-અંજાર ફોર લેનમાં ખનિજ ચોરીનો માલ ધાબડાયો
ભુજ, તા. 31 : અંજાર-ભુજના ફોર લેન માર્ગનાં કામમાં ગેરકાયદે ખનિજ ચોરી કરી માટી-મોરમને બદલે સ્ટેન્ડ સ્ટોન પ્રકારનું ખનિજ વપરાતું હોવાની ભુજના ખાણ-ખનિજને ફરિયાદ થતાં ટીમોએ કાર્યવાહી હાથ ધરી 27 હજાર ટન ખનિજનો જથ્થો સીઝ કરાયો હતો, તો રૂપિયા 1.34 કરોડથી વધુના રકમનો દંડ કરી ખનન વપરાતાં સાધનો પણ કબજે કરાતાં આ દરોડાને લઇ ચકચાર મચી હતી. ફોર લેન રસ્તામાં ભુજ તાલુકાના વાવડી અને ચુબડક ગામના સીમાડામાંથી વ્યાપક ઉત્ખનન કરી ખનિજનો જથ્થો ઉપાડી રોડનાં કામમાં વપરાતો હોવાની ખાણ-ખનિજ વિભાગને ફરિયાદ થઇ હતી. જેના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. ભૂસ્તરશાત્રી ડી. એસ. બારિયાએ આ વાતને સમર્થન આપી વધુ વિગતો આપી હતી.તેમણે જણાવ્યું હતું કે, હું પોતે તથા ટીમ સાથે ગઇકાલે સાંજે દરોડો પાડવામાં આવ્યો ત્યારે સૈયદપર પાટિયા પાસે બે માટી ભરેલા ડમ્પર અને બે ખાલી પકડવામાં આવ્યા હતા. જ્યારે વાવડી પાસેથી બે હિટાચી તથા બે ડમ્પર પકડાયા હતા. ચુબડકમાં એક હિટાચી માટી ઉપાડવાનું કામ કરતું પકડી પાડવામાં આવ્યું હતું. ઠેકેદારને માટી માટેની પરમીટ તો અપાયેલી છે, પરંતુ જે લીઝ વિસ્તાર નક્કી કરાયેલો હતો તેના બહારથી માટી ઉપાડવામાં આવતી હોવાનું જાણવા મળતાં માલ અને સાધનો હસ્તગત કરવામાં આવ્યાં હોવાનું શ્રી બારિયાએ જણાવ્યું હતું. રોડનાં કામ માટે મોરમ તથા સાદી માટીની પરમીટ છે, પરંતુ આ રોડમાં ઉપયોગમાં ન લેવાય તેવા પ્રકારનો સેન્ડ સ્ટોન નખાતો હોવાનું પણ માલૂમ પડયું હતું. અમારી ટીમે જ્યાં ખોદકામ થયું હતું ત્યાં માપણી કરી હતી. વાવડી પાસે 4200 ટન તથા ચુબડકમાં 22600 ટન માલ ઉપડયો હતો, જેના પેટે અંદાજે રૂા. 1.34 કરોડ દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત રૂા. 1.50 કરોડના હિટાચી, ડમ્પર વગેરે મળીને સાધનો પણ કબજે કરાયાં હતાં. દંડ ભર્યા પછી કાર્યવાહી બાદ સાધનો વગેરે મુક્ત કરવામાં આવશે, તેવું ભૂસ્તરશાત્રીએ જણાવ્યું હતું. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com