ચાર વર્ષમાં 110 જણ વીજ અકસ્માતોમાં ભરખાયા

ભુજ, તા. 31 : વિકાસયાત્રામાં સતત આગળ ધપતા કચ્છ જિલ્લામાં પ્રાણઘાતક અને બિન-પ્રાણઘાતક વીજ અકસ્માતોની ઘટના વણથંભી જારી રહી છે. વિતેલા ચાર વર્ષની વાત કરીએ તો  આ જિલ્લામાં સમયગાળામાં 121 પશુ તેમજ 110 માનવી માટે વીજ અક્સ્માતની આવી ઘટના પ્રાણઘાતક નિવડી છે.જવાબદાર તંત્રવાહકોનું માનીએ તો જો લોકોમાં આવી ઘટનાને લઈ જાગૃતતા આવી તો જ આવા બનાવો પર અંકુશ લાદી શકાશે. જિલ્લાના સહાયક વિદ્યુત નિરીક્ષક અમિત વર્માએ કહ્યું કે, ચાલુ સાલે અમે સરકારી અને ખાનગી કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીના બિનપ્રાણઘાતક અક્સ્માતને અટકાવવામાં મહદઅંશે સફળ રહ્યા છીએ, પણ માનવી અને પશુના પ્રાણઘાતક કિસ્સા ચોક્કસથી ચિંતાનો વિષય ગણી શકાય.જિલ્લામાં વીજ અકસ્માતો શા માટે પ્રાણઘાતક બની રહ્યા છે, તેના પર પ્રકાશ પાડતાં તેમણે કહ્યું કે, મોટાભાગના આવા બનાવોમાં માનવીય ભૂલો ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવતી હોય છે. બાંધકામ સાઇટમાં પાણીની મોટર હોય કે અન્ય કોઇ સામગ્રી હોય તેની હેરફેરમાં જો અકસ્માતે વીજલાઇનનો સંપર્ક થઇ જાય તો તે જીવલેણ પૂરવાર થતી હોય છે. વાડીવિસ્તાર અને રસ્તા પર પાર્ક કરેલા ટેન્કરમાંથી ઓઇલની માપણી કરવા માટે વપરાતો સળિયો જો વીજલાઇનને સ્પર્શે તો  વ્યક્તિની જીવનયાત્રા પર પૂર્ણવિરામ મૂકાઇ જતું હોવાના અનેક કિસ્સા બનતા જોવા મળ્યા છે. પ્રાણીઓના પ્રાણઘાતક વીજ અકસ્માતો ચોમાસાના ગાળામાં સર્વાધિક ઊંચકાતા હોય છે. જાણકારો એ બાબતે અંગુલીનિર્દેશ કરી રહ્યા છે કે, જેટલા કેસ ચોપડે ચડે છે, તેના કરતાં અનેકગણા કેસ તો બિનસત્તાવાર રીતે નોંધાયેલા છે. પીજીવીસીએલ, ગેટકો એનર્જી, જિલ્લામાં કાર્યરત ઔદ્યોગિક એકમો અને રહેણાકના વ્યવસાયિક સ્થળે વીજ અકસ્માત સંબંધી ઘટના ઘટે તો વિદ્યુત નિરીક્ષકની કચેરીમાં તેની નોંધ કરી પંચનામું કરવા, નિવેદન નોંધવા તેમજ વળતરના ચૂકવણા કરવા સહિતની સૂચના આપવામાં આવતી હોય છે.રાજ્ય કક્ષાએ સમયાંતરે યોજાતી બેઠકમાં પ્રાણઘાતક વીજ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર ઘટાડો થાય તે પ્રકારના પગલાં ભરવા સંબંધિત તમામને સૂચના આપવામાં આવતી હોય છે. બિનપ્રાણઘાતક બનાવોમાં 50 જેટલા લોકો પણ ગત વર્ષની તુલનાએ આવા બનાવો અડધો અડધ ઘટી ગયા છે.વીજ ટ્રાન્સફોર્મર સુરક્ષિત કરવામાં આવ્યા, પરંતુ ત્રણ વર્ષમાં પછી એ ફેન્સિંગ સલામત છે કે, નથી તેની યોગ્ય દરકાર પણ લેવાતી નથી. જર્જરિત વીજવાયરોના લીધે આવી ઘટના ઘટે તેવું ધ્યાને ચડે તો તરત જ સંબંધિત વિભાગના જવાબદારોને સમારકામ હાથ?ધરવા સહિતની સૂચના આપી દેવાતી હોય છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust