ઓસીને ભરી પીવા પૂજારાની રાજકોટમાં ખાસ તૈયારી
રાજકોટ, તા. 31 : ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે આગામી માસથી ચાર ટેસ્ટની શ્રેણી રમાશે. જેની શરૂઆત તા. 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં રમાનાર પહેલી મેચથી થશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમા પહોંચવા માટે બન્ને ટીમ માટે આ સિરીઝ ઘણી મહત્ત્વની છે. ઓસ્ટ્રેલિયાની નજર ભારતની ધરતી પર 19 વર્ષ બાદ પહેલી સિરીઝ જીતવા પર છે. કાંગારૂ ટીમ ભારતમાં 2004-0પ બાદથી કોઈ ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. એક તરફ ઓસ્ટ્રેલિયાની ટીમે હાલ ટર્નિંગ પીચ પર સ્પિનરોનો સમાનો કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. બીજી તરફ ભારતીય ટીમની દીવાલ ચેતેશ્વર પુજારાએ પણ કમર કસી છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની ચાર ટેસ્ટની શ્રેણી માટે પુજારા રાજકોટ ખાતે ખાસ તૈયારી કરી રહ્યો છે. તેના માટે આ શ્રેણી ઘણી મહત્ત્વની છે, કારણ કે ખરાબ ફોર્મને લીધે તે ગયા વર્ષે ટેસ્ટ ટીમમાંથી પડતો મુકાયો હતો. બાદમાં ઇંગ્લિશ કાઉન્ટીમાં શાનદાર દેખાવ કરીને વાપસી કરી છે. પુજારાએ આજે તેના ટ્વિટર એકાઉન્ટ પર તૈયારીની કેટલીક તસવીરો શેર કરી છે. પુજારા જામનગર રોડ સ્થિત પોતાના અંગત મેદાન પર પિતા અને કોચ અરવિંદભાઈનાં માર્ગદર્શનમાં નેટ પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ શ્રેણી દરમિયાન પુજારા તેની કેરિયરની 100મી ટેસ્ટ મેચ પણ રમશે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2000 રન પૂરા કરવાની પણ તક રહેશે. તેણે ઓસિ. સામે 20 ટેસ્ટમાં પ4.08ની સરેરાશથી 1893 રન કર્યા છે. તેની 19 સદીમાંથી પ સદી ઓસિ. સામે છે. ભારતની ધરતી પર પુજારાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 9 ટેસ્ટમાં 64ની એવરેજથી 900 રન કર્યા છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com