શિવલખાના વૃદ્ધની હત્યાના મામલે નવ આરોપી સામે ગુનો દર્જ

રાપર, તા. 31 :  ભચાઉ તાલુકાના શિવલખા ગામના  વૃદ્ધ ભીમજી રાઠોડની નિપજાવાયેલી ઘાતકી હત્યાના બનાવમાં  9 જણા સામે હત્યા, મહાવ્યથા સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 30ના બપોરે 12.30 વાગ્યાના અરસામાં બન્યો હતો. આ મામલે ફરિયાદી વનરાજસિંહ ભીમજી રાઠોડે આરોપીઓ  અનિલસિંહ અમરસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ અમરસિંહ જાડેજા, વિક્રમસિંહ રામજી જાડેજા, નરેન્દ્રસિંહ કલુભા જાડેજા, હિંમતસિંહ રાસુભા જાડેજા, ઈન્દ્રસિંહ કારૂભા જાડેજા, દશરથસિંહ મનુભા જાડેજા, હનુભા હેતુભા ઉર્ફે ફૌજી અને ઉદેસિંહ જીલુભા સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી  અને ફરિયાદી વચ્ચે કંપનીમાં કામ રાખવા બાબતે અગાઉ ઝઘડો થયો હતો. આ બાબતે આરોપીઓ હનુભા હેતુભા અને ઉદેસિંહ વેલુભાની ચડામણીથી અન્ય આરોપીઓએ  જીવલેણ હુમલો કર્યો હતો. મૃતક  તેના ભત્રીજા સાથે લાકડીયાથી પરત શિવલખા જતા હતા ત્યારે જી.જે. 12.સી. ડી. 8342 નંબરની ઈયોન કાર બાઈક સાથે અથડાવી હતી. ધોકા, લોખંડના પાઈપ, ટામી  વડે માર મારી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી હતી. જો કે સારવાર દરમ્યાન વૃધ્ધનું મોત નિપજતા હુમલાનો બનાવ હત્યામાં પલ્ટાયો હતો.  પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.  વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust