ચોબારીને વરસો જૂના પ્રશ્નોની પીડા

ચોબારી (તા.ભચાઉ), તા. 31 : વિનાશકારી ભૂકંપ બાદ સમગ્ર કચ્છનો દેખીતો વિકાસ થઈ રહ્યો છે. જેનો પાયો ભૂકંપનાં એ.પી.સેન્ટર એવા ચોબારી ગામથી નખાયો હતો. એ સમયના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચોબારી ગામમાં દિવાળી મનાવી હતી અને ત્યારબાદનો સમગ્ર કચ્છ અને ગુજરાતનો જે રીતે વિકાસ થયો તે દેશ-દુનિયા માટે ઉદાહરણ રૂપ છે. ચોબારી ગામની વાત કરીએ તો વણઉકેલ્યા પ્રશ્નોની વરસોથી ચાલી આવતી માંગણીઓની વાત કરીએ તો 2007ના ભૂકંપમાં ચોબારી ગામે પોલીસથાણું ધ્વસ્ત થયું હતું. જેને 23 વરસ થયાં હજુ સુધી તે નવુ મકાન બનાવાયું નથી. જેને લઈને ચોબારી વિસ્તારનાં લગભગ દસથી બાર ગામોને જોડતી સેવામાં અધુરાશ હોવાથી આ વિસ્તારમાં અસમાજિક તત્વોએ માથું ઉચકયું છે અને અસામાજીક પ્રવૃતિઓએ જોર પકડયું છે. ચોબારી ગામ તેમજ આસપાસમાં હત્યાના કેસો પણ છાશવારે નોંધાયા છે. ખનિજ ચોરી ઉપરાંત ચોરી ચપાટી જેવા બનાવો પણ વધ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ચોબારી ગામ કબિરનગરથી માંડીને પરા વિસ્તાર કૃષ્ણનગર સુધીનો લગભગ 2 કિલોમીટર સુધીનો માર્ગ હજુએ ધુળ ખાય છે. 2001માં તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી બન્યા બાદ તે હતો નહોતો બની જવા પામ્યો છે. ત્યારબાદ તેમની આ તરફ નજર પણ નથી. માર્ગ સત્વરે બને તદ્ઉપરાંત કૃષ્ણનગર ગામમાં પણ ચોમાસે ઘુટણભેર પાણી ભરાઈ જાય છે. જેનો પણ કોઈ નિકાલ નથી. જેના ઉકેલ માટે માંગણી ઉઠી હતી. ચોબારી કબીરનગર કે જ્યાં બજાર આવેલી છે. ત્યાં આગળ વિસ્તારમાં જ્યાં આવતી-જતી એસ.ટી. બસો ઉભે છે. ત્યાં જાહેર શૌચાલયની કોઈજ સુવિધા નથી. આવડા મોટા દસ પંદર હજારની વસ્તીવાળા ગામની બજારમાં કોઈ જાહેર શૌચાલય ન હોય તેને લોકોએ શરમજનક વાત ગણાવી હતી. આ ઉપરાંત હજારો એકર જમીનની પિયત થાય છે. પરંતુ ગામ લોકો હંમેશા પાણી માટે વલખા મારે છે. પીવાનું પાણી સીધે-સીધું નર્મદા કેનાલમાંથી નળમાં પહોંચે છે. અનેક અસુવિધાઓના કારણે લોકો બીમારીનાં ભોગ બને છે. તેથી પીવાના પાણીનો ફીલ્ટર પ્લાન્ટ નાખવામાં આવે અને ગામ લોકોને ફીલ્ટર થયેલું પાણી આપવામાં આવે તેવી માંગ ઉઠી હતી.  વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust