દામજીભાઇનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન

દામજીભાઇનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન
મુંબઈ, તા. 30 (અમારા પ્રતિનિધિ દ્વારા) : સૌરાષ્ટ્ર ટ્રસ્ટના અધ્યક્ષ, કચ્છી સમાજના લોકલાડીલા આગેવાન, વિખ્યાત ઉદ્યોગપતિ અને દાનવીર દામજીભાઈ લાલજીભાઈ એન્કરવાલાનું ગઈકાલે મોડી રાત્રે દુ:ખદ અવસાન થયું હતું. તેઓ 86 વર્ષના હતા. તેમની સ્મશાનયાત્રા આજે સવારે 10 વાગ્યે તેમના નિવાસ્થાન એવેન્ટા ટાવરથી નીકળી ત્યારે સેંકડો લોકો તેમાં જોડાયા હતા. દામજીભાઈ થોડા દિવસોથી બીમાર રહેતા હતા અને તેમને બ્રિચકેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં ગઈ રાતે હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડયો હતો. દિવંગત કચ્છી આગેવાનના નશ્વર દેહને તેમના નિવાસ એઁવેન્ટા ટાવરના ગ્રાઉન્ડ ફ્લોરમાં અંતિમ દર્શન અર્થે મૂકવામાં આવ્યો હતો, જ્યાં સેંકડો લોકોએ ફૂલહાર અર્પણ કરીને ભાવાંજલિ અર્પી હતી. અંતિમ દર્શન માટે આવેલા સગાં-સંબંધી, સ્નેહીજનો અને ચાહકોનો પરિવાર વતી નીલેશ દામજી ગાલાએ ઋણસ્વીકાર કર્યો હતો અને રસ્તાનાં કામ ચાલુ હોવાથી અહીંથી પાછા વળી જવા વિનંતી કરી હતી, પરંતુ દામજીભાઈ પ્રત્યેની અનન્ય લાગણીનાં કારણે બધા ચંદનવાડી સ્મશાનગૃહમાં આવ્યા હતા. તેનાથી ભાવભર્યા દૃશ્યો સર્જાયાં હતાં. સરળ અને સંવેદનશીલ પ્રકૃતિના દામજીભાઈ એન્કરવાલાએ નાનામાં નાના માનવીના દિલમાં સ્થાન મેળવ્યું હતું. અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા અને કેટલીયે સંસ્થાઓને ઉદાર દિલે દાન આપ્યું હતું. એથી વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોએ ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. દામજીભાઈના બંને પુત્રો અતુલભાઈ અને સંજયભાઈએ લાગણીભર્યા સ્વરે મનોભાવ વ્યક્ત કરતાં જણાવ્યું કે પિતાજીએ અમને મિત્રની જેમ રાખ્યા હતા. અમે જે કાર્ય કરીએ તેમાં સપોર્ટ આપતા અને કહેતા આગળ વધો, ખૂબ પ્રગતિ કરો. અમે માંદા પડીએ તો અમને હિંમત આપતા, એમની ઉપસ્થિતિ અમારા માટે ચેતનાસભર રહેતી. દામજીભાઈના લઘુબંધુ જાદવજીભાઈ એન્કરવાલાએ કહ્યું કે, મારા પૂજ્ય મોટાભાઈએ આજે અમારી વચ્ચેથી વિદાય લીધી છે. તેઓ અતિ પ્રભાવશાળી, ધર્મપ્રિય અને સેવાભાવી હતા. તેમણે સમાજોપયોગી અનેક કાર્યો કર્યાં. તેમને સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ચેરમેન બનાવ્યા હતા, તે કેવા પ્રભાવશાળી હશે ? તેમના નિધનથી સમાજે એક સરસ, સેવાભાવી અને દીર્ઘદ્રષ્ટા આગેવાન ગુમાવ્યા છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી રામભાઇ ગાંધી, અતુલભાઇ જોશી, હાર્દિકભાઇ મામણિયા ઉપરાંત સૌરાષ્ટ્ર ટ્રસ્ટના જનરલ મેનેજર ભૂપેન વડગામા, સર્ક્યુલેશન મેનેજર શિવપાલ દુબે, જયેષ્ઠ પત્રકાર સુરેન્દ્ર મોદી, ચીફ એકાઉન્ટન્ટ નિશાંત શાહ, એડ મેનેજર મનીષ મહેતા, શાહ એન્ડ એન્કર કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી જયંતી છાડવા, વિનેશ મામણિયા, સામજીભાઇ વોરા (અમરસન્સ), બચુભાઇ શિવજી રાંભિયા, કિશોરભાઇ છેડા (પ્રિન્સ પ્લાસ્ટિક), જગદીશ ગંગર વગેરેએ અંતિમ દર્શન કર્યા હતા. સદ્ગત દામજીભાઇને જન્મભૂમિ ગ્રુપના મુખ્યમંત્રી - સીઈઓ કુન્દન વ્યાસ સહિત મુંબઇમાં અનેક મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ અર્પી છે. કચ્છમિત્ર ભવન ખાતે કચ્છમિત્રની કચેરીઓ તથા રાજકોટ ફુલછાબ ખાતે પણ કર્મચારીઓએ શોકસભા યોજીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ઉદ્યોગપતિ અને સામાજિક આગેવાન ચંદ્રકાંતભાઇ ગોગરીએ જણાવ્યું કે, દામજીભાઇ શ્રેષ્ઠ કક્ષાના દાનવીર હતા અને ઘણી સામાજિક સંસ્થાઓમાં તેમજ શૈક્ષણિક ક્ષેત્રે સુંદર કાર્ય કર્યું હતું. શાહ એન્ડ એન્કર કોલેજમાંથી ઘણા એન્જિનીયરો બહાર પડયા છે. સંકટ સમયે તેઓ હંમેશાં સમાજ સાથે રહ્યા હતા. સંગીતકાર આણંદજીભાઇ શાહે જણાવ્યું કે, અમે એક જ ગામ કુંદરોડીના અને એક જીવ હતા. કચ્છમાં જવાનું અમને બંનેને ગમતું. ચાર દિવસ પહેલાં બ્રિચકેન્ડી હોસ્પિટલમાં મળ્યો હતો ત્યારે બરાબર હતા અને કહ્યું હતું કે, ફેબ્રુઆરીમાં કચ્છ જઇશું, છોકરાઓને સાથે લઇ જશું. દામજીભાઇ ડાઉન ટુ અર્થ એટલે કે એક રંગના ઇન્સાન હતા. આઠ કોટિ નાની પક્ષ જૈન સકળ સંઘના ટ્રસ્ટી રમેશભાઇ રવજી છેડાએ જણાવ્યું કે, દામજીભાઇ સકળ સંઘના પ્રમુખ હતા. તેમના નેતૃત્વમાં સકળ સંઘમાં નવા નવા ઘણાં કાર્યો થયાં. તેમણે સકળ?સંઘને તેમજ સાધુ-સંતોને સીધી કે પરોક્ષ સેવા આપી હતી. બંધ મુઠ્ઠી રાખીને મોટું અનુદાન આપ્યું હતું. કચ્છ યુવક સંઘના મોભી કોમલભાઇ છેડાએ જણાવ્યું કે, 37-38 વર્ષથી અમારી વચ્ચે સંબંધ હતો. કચ્છ યુવક સંઘની સ્થાપના કરી ત્યારે તેમનું પીઠબળ હતું. તેમણે હિન્દુત્વ માટે કામ કરવા શીખ આપી હતી. '86થી કચ્છમાં ત્રણ દુકાળ પડયા ત્યારે કચ્છ યુવક સંઘને સાથે રાખીને ઢોરવાડા શરૂ?કર્યા હતા અને કરોડો રૂા.નું દાન કર્યું હતું. આ રીતે લાખો મૂક જીવોને ઉગારી લીધા હતા. 2004થી એન્કરવાલા રક્તદાન અભિયાન અંતર્ગત રક્તદાન કેમ્પ કરીએ છીએ જેના દ્વારા બે લાખ બે હજાર રક્ત બોટલ એકત્ર કરી છે. બોરીવલીના એક લાખ ફૂટના કચ્છી સર્વોદય મેદાન માટે સૌપ્રથમ દાન એમણે આપ્યું હતું. તેમના સહયોગથી બાળમંદિર અને સ્કૂલો કચ્છમાં શરૂ કરી છે. કોર્પોરેટર હરીશ છેડાએ જણાવ્યું કે, દામજીભાઇ સાદું જીવન અને ઉચ્ચ વિચારો ધરાવતા માનવી હતા. સમગ્ર સમાજને દિશા બતાવવાનું કાર્ય જીવનપર્યંત કર્યું. અમે 40 વર્ષ પહેલાં મુંબઇ?આવ્યા ત્યારે એમના આર્થિક સહયોગથી વ્યાપાર શરૂ કરી શક્યા હતા. 2017માં તેમણે સાંસદ ગોપાલ શેટ્ટીને મહાપાલિકામાં ઉમેદવારી આપવા ભલામણ કરી હતી. એ પછી મને ટિકિટ મળી હતી. મારી પ્રચાર રેલીમાં બોરીવલીમાં સામેલ થયા હતા. પ્રવીણભાઇ ભીમશી છેડા (એસપીએમ)એ કહ્યું કે, દામજીભાઇ જેવા સાચા અને પરોપકારી માનવી શોધતાં મુશ્કેલીથી મળે. 40-45 વર્ષથી અમારો સંબંધ હતો. ધાર્મિક-સામાજિક કાર્યોમાં દામજીભાઇ?અને જાદવજીભાઇ એમ બંને ભાઇએ સાથે મળીને ખૂબ કામ કર્યું છે. બૃહદ મુંબઇ ગુજરાતી સમાજના અધ્યક્ષ હેમરાજભાઇ શાહે જણાવ્યું કે, કચ્છી સમાજનો સિતારો ખરી પડયો હોય એવી લાગણી અનુભવું છું. બધા સાથે હળીમળીને રહેતા, ક્યારેય ઊંચા અવાજમાં વાત કરતા સાંભળ્યા ન હતા. બીમાર હોય તો પણ જરૂરી ફંક્શનમાં અચૂક હાજરી આપતા. સમાજને મદદરૂપ થવા છેલ્લી ઘડી સુધી પ્રયત્નો કર્યા છે. કચ્છી જૈન ફાઉન્ડેશનના ટ્રસ્ટી અનિલભાઇ ગાલા (નવનીત)એ જણાવ્યું કે, તેઓ કચ્છી સમાજના મોભી, દાનવીર અને જિંદાદિલ માનવી હતા. તેમણે પોતાના જીવનનું ઘડતર પોતાની રીતે કર્યું. હંમેશાં ખુશમિજાજ રહેતા. નાના-મોટા સૌ સાથે ખેલદિલ હતા. આર.ડી. એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી કેકિનભાઇ કુંવરજી પ્રેમજી છેડાએ કહ્યું કે, તેઓ કચ્છી સમાજના શિરોમણિ હતા. કચ્છમાં સળંગ ત્રણ દુકાળ પડયા ત્યારે લાખો પશુઓને ઢોરવાડામાં આશ્રય આપીને ઉગારી લીધા હતા. કચ્છી દશા ઓસવાળ જૈન જ્ઞાતિ મહાજનના પ્રમુખ નયન ભેદાએ જણાવ્યું કે, તેઓ આખાં કચ્છના મોભી હતા. ભાતબજારના કેશવજી નાયકે ફુવારાના રિનોવેશન પ્રોગ્રામમાં મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે દામજીભાઇને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કર્યા હતા. કચ્છી વીશા ઓસવાળ સ્થાનકવાસી જૈન મહાજનના કારોબારી સભ્ય રમણીક લાલજી સંગોઇએ કહ્યું કે, દામજીભાઇ અજાતશત્રુ હતા. એમણે જીવનના અંતિમ શ્વાસ સુધી સામાજિક સેવાનાં કાર્યો કર્યાં હતાં. કચ્છ યુવક સંઘના પ્રમુખ ભરતભાઇ ગોગરીએ જણાવ્યું કે, દામજીભાઇ કહેતા કે હું કચ્છ યુવક સંઘનો કાર્યકર્તા છું. એમની હાજરી અમારા માટે પ્રોત્સાહક રહેતી. તેઓ સંસ્થાને તન-મન-ધનથી સહયોગ આપતા. મારા ગામ છસરામાં દવાખાનાંના 16-1ના ઉદ્ઘાટન પ્રસંગે આમંત્રિત કર્યા ત્યારે તેમણે અંતરથી શુભેચ્છા આપી હતી. કચ્છ યુવક સંઘના મેનેજિંગ ટ્રસ્ટી હેમંતભાઇ કારાણીએ કહ્યું, એમને તા. 12-1ના મળ્યો હતો ત્યારે પણ?સંસ્થાની પ્રવૃત્તિઓ વિશે પૃચ્છા કરી હતી. અમારી ઓફિસ કેમ્પસ કોર્નરમાં હતી ત્યારે અવારનવાર મળવાનું થતું. એન્કરવાલા અહિંસાધામના મેનેજિંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઇ સંગોઇએ જણાવ્યું કે, દામજીભાઇ સાથે મારો પારિવારિક સંબંધ હતો. તેઓ 40થી વધુ વર્ષથી અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. કચ્છ યુવક સંઘના સ્થાપકોમાંના એક મહેન્દ્રભાઇ વોરાએ જણાવ્યું કે, '83માં સંસ્થાની સ્થાપના કરી ત્યારે દામજીભાઇ સાથે પરિચય થયો હતો. તેઓ અમારા માર્ગદર્શક અને દેશદાઝવાળા માનવી હતા.

© 2023 Saurashtra Trust