દરિયાઈ પ્રવાસન સ્થળોને સાંકળતી વિશેષ સર્કિટ બનાવાશે

હેમાંગ પટ્ટણી દ્વારા ભુજ, તા. 30 : કચ્છ વિતેલા કેટલાક વર્ષોમાં પ્રવાસન ક્ષેત્રે સારો એવો વિકાસ થયો છે. એક તરફ ધોરડોનું સફેદ રણ દેશ અને વિશ્વનું તોરણ બની ચૂક્યું છે, બીજી તરફ ધોળાવીરાને વૈશ્વિક ધરોહર સાઈટનો દરજ્જો મળતાં આ પ્રાચીન ધરોહરને નિહાળવા પ્રવાસીઓનું આવાગમન નોંધનીય રીતે વધ્યું છે. ત્યારે હવે બીચ ટૂરિઝમ એટલે કે, દરિયાઈ પ્રવાસનનો વિકાસ થાય તે દિશામાં ધ્યાન કેન્દ્રિત કરવા માટેનું આયોજન ઘડાઈ રહ્યું છે, જેના ભાગ રૂપે કચ્છમાં જેટલા પણ પ્રવાસન સ્થળો દરિયાકિનારે આવેલા છે, તેને સાંકળતી એક વિશેષ સર્કિટ બનાવવા માટેની કવાયત સ્થાનિક પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવી છે. 3પ0 કિલોમીટરનો લાંબો દરિયાકિનારો ધરાવતું કચ્છ કંડલા અને મુંદરા પોર્ટના કારણે ઔદ્યોગિક વિકાસનું પ્રવેશદ્વાર બન્યું છે, રણ અને પર્વતની સાથે દરિયાની ત્રિવિધ પ્રકૃતિ ધરાવતા આ જિલ્લામાં દરિયાઈ પ્રવાસન સ્થળોની વાત કરીએ તો માંડવી બીચનો જેટલો વિકાસ થયો છે, તેટલું ધ્યાન અન્ય બીચના વિકાસ તરફ આપવામાં આવ્યું નથી. ત્યારે માંડવીની સાથે અન્ય બીચનો વિકાસ સુચારુ રીતે થાય તે દિશામાં કાર્ય આગળ ધપાવવામાં આવી રહ્યું છે. જિલ્લા આયોજન શાખામાંથી જાણવા મળેલી વિગત અનુસાર માંડવી બીચમાં પ્રવાસીલક્ષી સુવિધામાં વધારો કરવા સાથે પિંગલેશ્વર, સુથરી, આશાર માતા સહિતના અન્ય દરિયાઈ પ્રવાસન સ્થળોના વિકાસ કરવા હેતુ સુવિધાઓ વિકસાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરાઈ રહ્યું છે. કચ્છ આવતા પ્રવાસીઓને માત્ર દરિયાઈ પ્રવાસન સ્થળો નિહાળવા હોય તો તેમની સુગમતા અર્થે ખાસ દરિયાઈ પ્રવાસન સ્થળોને સાંકળતી એક સર્કિટ તૈયાર કરવાની પ્રક્રિયા આરંભવામાં આવી છે. આ માટેનાં માર્ગ નિર્માણ સહિતનું માળખું તૈયાર કરવાની તજવીજ આરંભવામાં આવી છે. પિંગલેશ્વર, સુથરી સહિતના અન્ય દરિયાઈ પ્રવાસન સ્થળો એવા છે કે, જ્યાં પ્રવાસીઓનું આવાગમન તો જોવા મળે છે, પણ ક્યાંક ને ક્યાંક માળખાંગત સુવિધાના અભાવથી અહીં આવવાનું અનેક પ્રવાસીઓ ટાળતા હોય છે. ત્યારે રણ અને પર્વતની સાથે દરિયાઈ પ્રવાસનનો વિકાસ પણ વિસ્તરે તે માટેની પ્રક્રિયાને વેગવાન બનાવી દેવામાં આવી છે.