4.2 ના કંપને કચ્છમાં ફેલાવ્યો ગભરાટ : સવા કલાકમાં બે વાર ધરા ધ્રૂજી

ભુજ, તા. 30 : 2001ના વિનાશકારી ભૂકંપને 22 વર્ષથી વધુનો સમય વીતી ચૂક્યો હોવા છતાં ભૂકંપના અતી જોખમી એવા ઝોન પાંચમાં આવતા કચ્છમાં ભૂસ્તરીય સખડ ડખડનો દોર અવિરત રીતે જારી રહ્યો છે. સોમવારે પરોઢિયે સવા કલાકના ટૂંકા ગાળામાં 4.2 અને 3.2ની તીવ્રતાના આંચકાએ જિલ્લાના અનેક વિસ્તારોમાં ગભરાટ ફેલાવી દીધો હતો. કેન્દ્રબિંદુના નજીકના વિસ્તારમાં લોકો ભરઊંઘમાંથી સફાળા જાગી ઘરની બહાર દોડી ગયા હતા. ચારથી વધુની તીવ્રતાનો આંચકો સિસ્મોગ્રાફી મશીન પર લગભગ દોઢેક વર્ષ બાદ અંકિત થયો છે. છેલ્લે 21 ઓગસ્ટ 2021ના ધોળાવીરા પાસે 4.1ની તીવ્રતાનાં કંપનની અનુભૂતિ થઈ હતી. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરમાંથી જાણવા મળેલી વિગત અનુસાર ઠંડીના માહોલ વચ્ચે લોકો મીઠી ઊંઘ માણી રહ્યા હતા, ત્યારે પ્રથમ સવારે પ-18 કલાકે સરહદી ખાવડાથી 23 કિલોમીટર દૂર 3.2ની તીવ્રતાનું કંપન અનુભવાયું, જેનું કેન્દ્રબિંદુ મોટી દદ્ધર ગામ પાસે નોંધાયું, તો સવા કલાક બાદ દુધઈથી 11 કિલોમીટર દૂર બાનિયારી ગામ પાસે કેન્દ્રબિંદુ ધરાવતા 4.2ની તીવ્રતાના મધ્યમ કક્ષાના ગણી શકાય તેવા આંચકાએ કેન્દ્રબિંદુ નજીકના ગ્રામ્ય વિસ્તારમાં 2001ના વિનાશકારી ભૂકંપની યાદો તાજી કરાવી દીધી હતી. ધડાકા સાથે અનુભવાયેલા આંચકાથી ગભરાયેલા લોકો ભરઊંઘમાંથી સફાળા જાગી ઘરની બહાર દોટ મૂકી હતી. આ કંપન 2પ.પ કિ.મીની ઊંડાઈએ તો ખાવડા પાસેનું કંપન 6.4 કિ.મીની ઊંડાઈએ અનુભવાયું હતું. કચ્છમાં સાતેક જેટલી ફોલ્ટલાઈન સક્રિય હોવાથી ભૂકંપના બે દાયકા બાદ પણ સમયાંતરે હળવા-મધ્યમ કંપન અનુભવાયા રાખે છે. ભૂસ્તરશાત્રીઓ તરફથી એવી ધરપત મળતી રહે છે કે, આવા કંપનથી ભૂસ્તરીય ઊર્જા વિસર્જિત થાય છે.