ખાદીને દેશ-વિદેશના યુવાનોમાં લોકપ્રિય બનાવવા કચ્છના રણમાં યોજાયો ફેશન શો

ભુજ, તા. 30 : દેશના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા દેશ-વિદેશના યુવાનોમાં ખાદીને લોકપ્રિય બનાવવાની દિશામાં વિવિધ પ્રયાસ થઇ રહ્યા છે, જે અંતર્ગત ગઇકાલે કચ્છના રણમાં `ઉત્કૃષ્ટ ખાદી' નામક ફેશન શોનું આયોજન કરાયું હતું, જેમાં અધિકારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાજર રહ્યા હતા. ખાદી માટેના સેન્ટર ઓફ એક્સેલન્સની કલ્પના ખાદી કાપડ, વત્રો, એસેસરીઝ અને હોમ ફેશન માટે પ્રયોગો, નવીનતા અને ડિઝાઇન માટેના હબ તરીકે કરવામાં આવી છે. કે.વી.આઇ.સી.ના મુખ્ય કારોબારી અધિકારી વિનીતકુમાર, કમિશનના તમામ સભ્યો, ખાદી અને ગ્રામોદ્યોગ કમિશનના અધ્યક્ષ મનોજકુમાર આ ફેશન શોના આરંભે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ખાદીના કપડાની થીમ ઉપર આધારિત આ ફેશન શોમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ, ધારાસભ્યો, વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ, સફેદ રણ નિહાળવા આવેલા મોટી સંખ્યાના પ્રવાસીઓ પણ?આ પ્રસંગે ઉપસ્થિત હતા. લોકગાયક બોરેલાલે સંગીત રજૂ કરીને લોકગાયકીનો સૌને પરિચય કરાવ્યો હતો. ફેશન શો અંતર્ગત યોગ અને પ્રાણાયામ સંબંધિત સત્રનું પણ આયોજન કરાયું હતું. સેન્ટર ઓફ એક્સેલન્સનો ઉદ્દેશ ખાદીને ડિઝાઇન સ્તરે પ્રોત્સાહન આપવા તથા ઘર અને એપેરલ ડોમેન્સમાં બિનબાયોડિગ્રેડેબલ અસ્થિર ઉત્પાદનોને બદલવા માટે પર્યાવરણીય રીતે ટકાઉ ફેબ્રિક તરીકે તેના ઉપયોગને પ્રોત્સાહિત કરવાનો છે.