જી-20 સમિટને લઈને ભુજ-ખાવડા માર્ગે અધૂરાં કામો ઝડપથી આટોપવાનું શરૂ

જી-20 સમિટને લઈને ભુજ-ખાવડા માર્ગે  અધૂરાં કામો ઝડપથી આટોપવાનું શરૂ
ભુજ, તા. 30 : આવતા મહિને કચ્છના ધોરડો સ્થિત સફેદ રણમાં જી-20 સમિટ યોજાવાની હોવાથી વિવિધ રાષ્ટ્રોના નેતાઓ ભુજ-ખાવડા માર્ગે જ રણ સુધી પહોંચશે. આ કારણે આ રસ્તાનાં અધુરાં કામો ઝડપથી આટોપવાનું શરૂ કરાયું છે. રસ્તાની બંને તરફના દબાણકારોને ત્યાંથી હટી જવા નોટિસ ફટકારાઈ છે તો ઝાડી-ઝાંખરા કાપી સમગ્ર માર્ગને સ્વચ્છ બનાવવા તંત્ર કામે લાગ્યું છે. જી-20 રાષ્ટ્રોના પ્રતિનિધિઓ શહેરના શ્યામજી કૃષ્ણવર્મા વિમાની મથકથી ખાવડા માર્ગે રણમાં જવાના હોવાથી આ માર્ગના પુલિયાનાં કામો વચ્ચે આવતાં બસ સ્ટેન્ડોનું રંગરોગાન, બાવળ સહિતની બંને તરફની ઝાડી કાપવાનાં કામ હાલ શરૂ થયાં છે. રસ્તાની બંને તરફ થયેલા કાચા-પાકાં દબાણો, દુકાનો, મકાનોને ત્યાંથી હટી જવા જણાવી દેવાયું છે. રણ સુધીનો સમગ્ર રસ્તો ચોખ્ખો ચણક બનાવી દેવાશે. આંતરરાષ્ટ્રીય મહેમાનો કચ્છ આવતા હોવાથી વિશ્વસ્તરે કચ્છને ચમકાવવાનો આ વધુ એક અવસર છે. જેના પગલે આ સરહદી જિલ્લામાં વધુ ઔદ્યોગિકીકરણ થાય, વધુ રોકાણો આવે તથા પ્રવાસનને પણ ભારે વેગ મળે તેવી સંભાવના છે. જિલ્લાનું વહીવટીતંત્ર એટલે જ કચ્છની ઉજ્જવળ છબી સૌ નિહાળી શકે તે દિશામાં સક્રિય બન્યું છે. આખોય રસ્તો સુઘડ અને સુશોભિત બનાવવા કામગીરી હાથ ધરાઈ હોવાનું સમજાય છે.

© 2023 Saurashtra Trust