ગાંધીધામ-પાલનપુર ભુજની ટ્રેનોમાં એસી ચેર કારના બદલે સ્લીપર કોચ જોડાશે

ગાંધીધામ, તા. 30 : રેલવે દ્વારા ગાંધીધામ અને ભુજથી પાલનપુરની ચલાવાતી બે ટ્રેનોના કોચની સંરચનામાં બદલાવ કરવામાં આવ્યો છે. જેમાં એસી કોચના બદલે બન્ને ટ્રેનોમાં સ્લીપર કોચ જોડવામાં નિર્ણય લેવાયો છે. ંંરેલવેના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પ્રવાસીઓની સગવડતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મંડળની ચાર ટ્રેનોની કોચ સંરચનામાં બદલાવ કરાયો છે. કચ્છથી પાલનપુર વચ્ચે દોડતી બન્ને ટ્રેનોમાં એસી ચેરકાર કોચ હટાવીને તેના સ્થાને ત્રણ -ત્રણ આરક્ષિત સ્લીપર કોચ જોડવા નિર્ણય લેવાયો છે. અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ભુજ પાલનપુર (20928)માં તા. 1 ફેબ્રુઆરીથી અને અને પાલનપુર ભુજ (20927) ટ્રેનમાં તા. 2 ફેબ્રુઆરીથી એજ રીતે પાલનપુર ગાંધીધામ (19405)માં તા. 1 થી અને ગાંધીધામ પાલનપુર (19406)માં તા. 2 ફેબ્રુઆરીથી આ સ્લીપર કોચ કાયમી ધોરણે જોડવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે પાલનપુરની આ બન્ને ટ્રેનોમાં લગાયેલા એસી ચેર કારના કોચમાં પ્રવાસીઓની સંખ્યા ઓછી હતી. દેશના અન્ય મોટા શહેરની ટ્રેનોની લીન્ક આ બન્ને ટ્રેનો સાથે છે. જેથી અન્ય રાજયની ટ્રેન માટે પાલનપુર જતા પ્રવાસીઓને રાહત મળશે.