ઇંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી આફ્રિકાએ 2-0થી કબજે કરી

ઇંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણી આફ્રિકાએ 2-0થી કબજે કરી
બ્લોએમફોન્ટેન, તા.30: કપ્તાન તેંબા બાવૂમાની સદીની મદદથી દ. આફ્રિકાએ બીજા વન ડે મેચમાં પ્રવાસી ટીમ ઇંગ્લેન્ડને પાંચ દડા બાકી રાખીને પાંચ વિકેટે હાર આપી હતી અને ત્રણ મેચની શ્રેણી 2-0ની અતૂટ સરસાઈથી કબજે કરી હતી. પહેલા બેટિંગ કરતા ઇંગ્લેન્ડે પ0 ઓવરમાં 7 વિકેટે 342 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જવાબમાં આફ્રિકાએ 49.1 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. પહેલા વન ડેમાં આફ્રિકાની 27 રને જીત થઈ હતી. શ્રેણીનો ત્રીજો અને આખરી મેચ 3 ફેબ્રુઆરીએ રમાશે. આફ્રિકા તરફથી કપ્તાન બાવૂમાએ 102 દડામાં 14 ચોક્કા અને 1 છક્કાની મદદથી 109 રન કર્યા હતા. ડિ'કોક 31 અને રાસી વેન ડુસેન 38 રને આઉટ થયા હતા. માર્કરમે 49 રન કર્યા હતા. ડેવિડ મિલર પ8 રને યાનસન 32 રને નોટઆઉટ રહ્યા હતા. બન્ને વચ્ચે છઠ્ઠી વિકેટમાં 6પ રનની અતૂટ અને વિજયી ભાગીદારી થઈ હતી. મિલરે 37 દડાની ઇનિંગમાં બે ચોક્કા અને ત્રણ છક્કા ફટકાર્યા હતા. આ પહેલા ઇંગ્લેન્ડ તરફથી હેરી બ્રુક્સે 80 અને કેપ્ટન બટલરે અણનમ 94 રનની ઝડપી ઇનિંગ રમી હતી. મોઇન અલીએ પ1 રનનું યોગદાન આપ્યું હતું. તેના બટલર વચ્ચે પાંચમી વિકેટમાં 106 રનની આક્રમક ભાગીદારી થઈ હતી. આથી ઇંગ્લેન્ડની ટીમ 7 વિકેટે 342 રનના સ્કોરે પહોંચી હતી. આફ્રિકા તરફથી નોર્ત્ઝેને બે વિકેટ મળી હતી.

© 2023 Saurashtra Trust