ઘૂંટણની ઇજા છતાં કચ્છની યુવતી પાવર લિફ્ટિંગમાં રાષ્ટ્રીય સ્તરે વિજેતા

ઘૂંટણની ઇજા છતાં કચ્છની યુવતી  પાવર લિફ્ટિંગમાં રાષ્ટ્રીય સ્તરે વિજેતા
ભુજ, તા. 29 : ઔરંગાબાદ ખાતે પાવર લિફ્ટિંગ ઇન્ડિયાના નેજા હેઠળ યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં કચ્છી યુવતીએ સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. મુંદરા ખાતે રહેતી નેહલ મનીષ પંડયાએ માસ્ટર ગ્રુપ માટે યોજાયેલી નેશનલ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં 57 કિલોની વજન કક્ષામાં હરિયાણા, પંજાબ અને કેરળની 12 યુવતીઓને મ્હાત આપી અવ્વલ સ્થાન મેળવ્યું હતું. નેહલે હરીફ ખેલાડી કરતા 750 ગ્રામ વધુ વજન ઉપાડયું હતું. તેમની આ સિદ્ધિ એ રીતે વિશેષ બની રહેશે છે. કારણ કે, નેહલને એક વર્ષ પહેલાં ગત 10મી જાન્યુઆરીના એક અકસ્માતમાં તેમના જમણા પગના ઘૂંટણને લીગામેન્ટ ટેન્ડલ ફાટી ગયો હતો, પણ અસહ્ય પીડા છતાં સર્જરી કરાવી નહોતી અને માત્ર આહાર, ફિઝિયોથેરાપિસ્ટનો માર્ગ અપનાવ્યો હતો અને જાણીતા પાવર લિફટર નિખિલ મહેશ્વરીનું માર્ગદર્શન મેળવ્યું હતું. જેમાં નિખિલભાઇએ એનેસ્થેસિયા વિના કરાયેલી બે મોટી સર્જરી અને બ્લડ કેન્સરને માત્ર 10 દિવસની અવધિમાં મ્હાત આપીને રાષ્ટ્રીય કક્ષાની પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. નેહલબેનને તેમના પતિ મનીષનો સંપૂર્ણ સહયોગ રહ્યો હતો, તેવું જણાવ્યું હતું. જિમના જયદીપ ગોરસિયાએ પણ નેહલનું મનોબળ જોઇને જિમની ફી લીધી નહોતી.

© 2023 Saurashtra Trust