દામજીભાઇની દિલેરી-વતન પ્રત્યેનો પ્રેમ કચ્છ યાદ રાખશે

દામજીભાઇની દિલેરી-વતન પ્રત્યેનો પ્રેમ કચ્છ યાદ રાખશે
ભુજ, તા. 30 : દાયકાઓપર્યંત કચ્છના ખાસ તો કપરાકાળને પાર પાડવા જીવન ઘસીને કચ્છીઓની સમૃદ્ધિના હિતેચ્છુ મહામાનવ દામજીભાઇ એન્કરવાલાની ચિર વિદાયથી દેશ ઉપરાંત વિશ્વભરમાં વસતા કચ્છીમાડુઓએ આઘાતનો આંચકો અનુભવ્યો છે. કચ્છ સહિત મુંબઇમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. સદ્ગતના અવસાન બદલ કચ્છમાંથી વિવિધ ક્ષેત્રના આગેવાનો, સેવાભાવી સંસ્થાઓ તરફથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સાચા હમદર્દ ગુમાવ્યા કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુર્વેન્દ્રસિંહ જાડેજાએ દુ:ખ સાથે જણાવ્યું કે, દામજીભાઇ એન્કરવાલાનાં નિધનથી કચ્છીજનોએ સાચા હમદર્દ ગુમાવ્યા છે. તેઓ નર્મદા યોજના, કુદરતી આપત્તિઓ તથા માળખાગત વિકાસ કે રોજગારીનો પ્રશ્ન હોય, સતત કચ્છની ચિંતા કરતા હતા. તેઓનો કચ્છ પ્રત્યેનો પ્રેમ ક્યારેય ભૂલી શકાય નહીં. કોંગ્રેસના આગેવાનો શૈલેન્દ્રસિંહ જાડેજા, વી. કે. હુંબલ, આદમભાઇ ચાકી, નવલસિંહ જાડેજા, ચેતન જોશી, શિવજીભાઇ આહીર, ઉષાબેન ઠક્કર, શામજીભાઇ આહીર, રફીકભાઇ મારા, ગનીભાઇ કુંભાર, પી. સી. ગઢવી, દીપક ડાંગર, કિશોરદાન ગઢવી વિ.એ શ્રદ્ધાંજલિ અર્પી હતી એવું પ્રવક્તા ગનીભાઇ કુંભારે જણાવ્યું હતું. એક મોટી ખોટ પડી : નવચેતન નવચેતન અંધજન મંડળ (માધાપર)ના મંત્રી લાલજીભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, સ્વ. દામજીભાઇ એલ. શાહ છેલ્લા દસ વર્ષથી આ સંસ્થાના પ્રમુખ તરીકે દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી રહ્યા હતા. સંસ્થા ઉપરાંત સ્વ. દામજીભાઇ કચ્છમાં નર્મદાનું પાણી લાવવા માટે, ગાયો તથા અન્ય પશુઓની સારવાર માટે વ્યવસ્થા કરવા તથા કચ્છના લોકોને પડતી મુશ્કેલીઓની રજૂઆત અને ઉકેલવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. કચ્છમાં તેમજ મુંબઇમાં મેડિકલ અને શિક્ષણ તેમજ પોતાના સમાજ અને અન્ય સમાજ માટે પ્રશંસનીય સેવાઓ પૂરી પાડી છે. તેઓના આત્માની પરમ શાંતિ માટે સંસ્થાના દિવ્યાંગ બાળકો, બાલિકાઓ, વૃદ્ધજનો, ઉપપ્રમુખ હીરાલાલ આર. ચાવલા, મંત્રી હિમાંશુભાઇ સોમપુરા તથા વનરાજસિંહ જાડેજા, ખજાનચી ઝીણાભાઇ ડબાસિયા, જાદવજીભાઇ વરસાણી-ભરાસર, નવચેતનના પાર્ટનર શશિભાઇ વેકરિયા-વાક્રોફટ ફાઉન્ડેશન-યુકે, અતુભાઇ શાહ-કેર એજ્યુકેશન-યુકે, કિશોરભાઇ નારદાણી-ફ્રેન્ડ્સ ઓફ?કેરા-યુ.કે.એ પ્રભુને પ્રાર્થના કરી હતી. કચ્છ માટે સમર્પિત હતા : ભુજ ચેમ્બર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન ભુજએ શ્રદ્ધાંજલિ આપતાં જણવ્યું હતું કે, દામજીભાઇ કચ્છ માટે સમર્પિત હતા. સેવાકીય પ્રવૃત્તિ, જીવદયાનાં કાર્યો, દુકાળ, વાવાઝોડા, ભૂકંપની ગોઝારી ઘટના દરમ્યાનની બેજોડ સેવા હતી. નર્મદાનાં નીર કચ્છ સુધી મળે તે માટેના દૂરદર્શી આયોજન અને પરિણામ તેમને આભારી હોવાનું પ્રમુખ અનિલ ગોર અને મંત્રી જગદીશ ઝવેરીએ જણાવ્યું હતું. દુષ્કાળોમાં યોગદાન અમૂલ્ય : પૂર્વ સાંસદ પૂર્વ સાંસદ પુષ્પદાનભાઇ ગઢવીએ દામજીભાઇ એન્કરવાલાને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, તેઓની કર્મભૂમિ મુંબઇ હોવા છતાં માતૃભૂમિ કચ્છના વિકાસ અને સુખ-દુ:ખમાં સહભાગી થવા જીવનભર સતત ચિંતિત અને કાર્યરત રહ્યા હતા. નર્મદાના નીર, દુષ્કાળોના સમયમાં પશુઓના બચાવ માટે નીરણ કેન્દ્ર, ઢોરવાડાઓ જેવી પ્રવૃત્તિઓમાં પણ તેઓનું, તેમના સાથી સ્વ. તારાચંદભાઇ છેડા અને અન્ય સાથીઓનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી અને ચેરમેન તરીકે જે સેવાઓ આપી છે તે અવિસ્મરણીય રહેશે. આવા સજ્જન, કર્મઠ અને નિષ્ઠાવાન આગેવાનનાં નિધનથી ન માત્ર તેમના કુટુંબીજનોને ખોટ પડી છે, પરંતુ સમસ્ત કચ્છને ન પૂરી શકાય તેવી મોટી ખોટ પડી છે. શુભેચ્છક ખોયા : સારસ્વતમ્ સારસ્વતમ્ સંસ્થાએ જન્મભૂમિ ટ્રસ્ટના ચેરમેન અને નિરાભિમાની વ્યક્તિત્વ ધરાવતા દામજીભાઇને સેવાના ભેખધારી ગણાવી પ્રમુખ વિજયલક્ષ્મી શેઠ, નીતિનભાઇ ઠક્કર, ડો. વિ. વિજયકુમાર, રાજુભાઇ, દીપ્તિ, નર્મદાબેન ઠક્કર, મુલેશ દોશીએ શ્રદ્ધાંજલિ આપતાં કચ્છે એક અનેરા શુભેચ્છક ખોયાનું જણાવ્યું હતું. પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીરએ જણાવ્યું હતું કે, ગ્રામીણ વિકાસ, પર્યાવરણ અને ગૌમાતાની સેવા કરનારા દાનવીર, જાણીતા ઉદ્યોગપતિ, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના અધ્યક્ષ દામજીભાઇ એન્કરવાલાના અવસાન પર શોકમગ્ન છું. પરમેશ્વર તેમના આત્માને પરમશાંતિ આપે અને પરિજનોને આઘાત સહન કરવાની શક્તિ આપે. પ્રેરકબળ ગુમાવ્યું : સર્વ સેવા સંઘ-ક.વી.ઓ. ક.વી.ઓ. જૈન મહાજન ભુજ અને સર્વ સેવા સંઘ (કચ્છ) ભુજના પ્રમુખ જિગર તારાચંદભાઇ છેડાએ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે, દિલેર સખીદાતા દામજીભાઇની ચિર વિદાયથી કચ્છી પ્રજાએ પોતાનાં હમદર્દ ખોયા છે. માતૃભૂમિ કચ્છથી દૂર મુંબઇમાં રહેતા હોવા છતાંય એમના ખોળિયામાં સદાય કચ્છ વસતું હતું. અનશનવ્રતધારી સ્વ. તારાચંદભાઇ છેડા સાથે મળીને દામજીભાઇએ જીવદયા, આરોગ્ય, શિક્ષણ અને માનવસેવા માટે સદાય સેવાની જ્યોતજ્વલિત રાખી હતી. 1987ના કપરા દુષ્કાળમાં સતત ત્રણ વર્ષ સુધી કચ્છના હજારો પશુઓને બચાવવાના અભિયાનમાં અન્ય દાનવીર શ્રેષ્ઠીઓ સાથે સંકલન સાધી તારાચંદભાઇનાં માર્ગદર્શન હેઠળ નીરણ કેન્દ્રો ચલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ પણ જ્યારે જ્યારે કચ્છમાં વરસાદ ખેંચાય ત્યારે તેઓએ જીવદયા માટે દાનની   સરવાણી વહેવડાવી છે. આ ઉપરાંત મેલેરિયા સહિત અન્ય રોગચાળાઓ સમયે માંગો ત્યાં મેડિકલ કેમ્પ માટે એમણે ઉદાર હાથે દાન આપ્યું છે. માંડવી તાલુકાના મસ્કામાં એન્કરવાલા જનરલ હોસ્પિટલ ખાતે કોરોનાકાળમાં નિ:શુલ્ક સારવાર સાથે ઉત્તમ કાર્ય કર્યું હતું. અનેકવિધ શૈક્ષણિક કાર્યો, જળસંગ્રહનાં કાર્યો માટે તેમનું યોગદાન રહ્યું હતું. દામજીભાઇના દુ:ખદ નિધનથી કચ્છે જગડુશા જેવા દિલેર દાતા ગુમાવ્યા છે. બંને સંસ્થાઓએ પોતાનું પ્રેરકબળ ગુમાવ્યું છે.

© 2023 Saurashtra Trust