નર્મદા કેસમાં ગુજરાત સરકારની જીતમાં દામજીભાઈનો મોટો હિસ્સો : પૂર્વ શિક્ષણમંત્રી

ભુજ, તા. 30 : ગુજરાતના પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કચ્છમિત્ર ભવનની મુલાકાતે આવી તંત્રી દીપકભાઈ માંકડની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ચેરમેન દામજીભાઈ એન્કરવાલાને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે મારા અને શંકરસિંહ વાઘેલાના કોમન મિત્ર રહ્યા. હું મંત્રી મંડળમાં હતો ત્યારે જળસંચય અને ખેતીના કામ માટે કચ્છ લઈ આવ્યા. પછી હું સરદાર સરોવરનો ચેરમેન બન્યો. યોજના સુપ્રિમ કોર્ટમાં હતી. મેધા પાટકર મેદાનમાં હતા તેની સામે ગુજરાત અને કચ્છની પાણીની જરૂરીયાત માટે દામજીભાઈના સાથ સહકારથી મુંબઈમાં બેઠક, સંમેલન અને દેખાવ યોજાયા જેની નોંધ જે તે સમયની કેન્દ્ર સરકારે લેવી પડી હતી. તેમનો કચ્છ પ્રત્યેનો, ગાય પ્રત્યે અને પાણી પ્રત્યેનો લગાવ અદ્ભુત હતો. ગુજરત સરકાર સુપ્રિમ કોર્ટમાં નર્મદા કેસ જીતી એમાં દામજીભાઈનો ખૂબ મોટા સમર્થન દ્વારા હિસ્સો રહ્યો જે ક્યારેય હું વ્યક્તિગત રીતે અને કચ્છના લોકો નહીં ભુલે. હું હૃદયના ઊંડાણથી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. સાથે આવેલા પ્રગતિશીલ કિસાન આગેવાન બટુકસિંહ જાડેજાએ પણ શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે, ખેતી સંશોધનમાં અને કુદરતી ખેતીમાં દામજીભાઈને ઊંડો રસ હતો.