દામજીભાઇનું જીવન એટલે `ખાંખત, ખંત અને ખમીર''ની કહાણી

દામજીભાઇનું જીવન એટલે   `ખાંખત, ખંત અને ખમીર''ની કહાણી
કચ્છનું કુંદરોડી ગામ આમ તો સાવ નાનકડું, પણ આ નાનાં ગામમાં મોટા માણસોનો ઉદ્ભવ થયો. કલ્યાણજી - આણંદજી પણ આ જ ગામના. આજે ગામમાં નવા 70 - 80 વર્ષ પહેલાંની કલ્પના કરો, કેવાં મકાનો હશે ? દામજીભાઇ એન્કરવાલા જેવા કચ્છના મોભી અને દાનવીરનું વતન પણ કુંદરોડી. કોઇએ કલ્પનાએ નહીં કરી હોય કે દામજીભાઇનો જન્મ અને ઉછેર થયો એ મકાનની ઉપર નળિયાં હતાં અને એક પણ બારી નો'તી ! દેખીતી રીતે જ ઘર અંધારિયું હશે. આવાં અજવાળાં - પ્રકાશ વિનાનાં ઘરમાં જન્મેલા દામજીભાઇએ જ સૌનાં ઘરમાં પ્રકાશ પાથરતી વીજળીનાં ઉપકરણો ભેટ આપી. એમની જીવનસફર ખાંખત, ખંત અને ખમીરની કહાણી છે. ડોક્ટર બનવાની ઇચ્છા હતી. માંદગીનાં કારણે કોલેજનું ભણતર છોડવું પડયું અને વ્યાપાર - ધંધો કરવાનાં સપનાં સેવ્યાં. છેવટે ફેક્ટરી નાખી, જેમાં સફળ ન થયા. હિંમત હાર્યા વિના એ જ જગ્યામાં નાનકડા ઉદ્યોગની શરૂઆત કરી. સમય સમય પર સહયોગી મળતા ગયા. ઉદ્યોગમાં સફળતા મળવા લાગી. દીર્ઘદૃષ્ટા પિતાનાં માર્ગદર્શન અને દિશાદોર મળતાં ગયાં, જેમાંથી છેવટે એન્કર ઇન્ડસ્ટ્રીઝનો ઉદય થયો. પરિવાર કચ્છના સૌથી મોટા ઉદ્યોગપતિ તરીકે સ્થાપિત થયો. લક્ષ્મીની કૃપા વરસી. પરિવારે કચ્છ - મુંબઇ અને અન્યત્ર દાનની ગંગા વહાવી. અનેક સેવાસ્તંભો ઊભા કર્યા. સમાજસેવાનાં કાર્યોમાં નેતૃત્વ લીધું. આજે પણ અનેક સંસ્થાઓમાં એમના તરફથી મદદ પહોંચે છે. એક નાનાં સરખાં ગામડાંમાંથી સફર શરૂ કરનારા મહામાનવ બન્યા. એ પણ કેવા ? નમ્રતા અને સરળતા જાણે એમની ઓળખનો ભાગ છે. આ પાસું શ્રીમંત વ્યક્તિમાં જ્વલ્લે જ જોવા મળે, માટે એમની જીવનસફર અન્ય માટે રસિક અને પ્રેરક છે. દામજીભાઇનો જન્મ કચ્છનાં કુંદરોડી ગામ (મુંદરા)માં 1937માં થયો. ડેલીવાળું અને નળિયાંવાળું ઘર હતું. માતાજી ઉમરબાઇ સવારના ચાર વાગે ઊઠે, બાજરાનો રોટલો સાથે ગોળ ભેળવીને લાડુ બનાવે. તે વખતે ગામડાંમાં શાકની પેદાશ ઓછી હતી. ઘરમાં બે ભાઇ દામજીભાઇ, જાદવજીભાઇ અને એક બહેન ઝવેરબેન. ઉમરબાઇમા કોઠીમાં અનાજ ભરી રાખતાં. બાજરો, મગ, ગુવાર વગેરે સાચવી રાખે. પોતે સવારના વાડીએ જતાં. પરિવાર માટે ખૂબ મહેનત કરતાં. તો પિતા લાલજીભાઇ શાહ મુંબઇમાં નાણાં ધીરવાનું કામ કરતા. દામજીભાઇ માત્ર છ વર્ષના હતા ત્યારે પિતાજી એમને મુંબઇ તેડી લાવ્યા. પિતાજીની ભાયખલામાં ખટાઉ મિલ પાસે દુકાન હતી. એક વર્ષ પછી દામજીભાઇ પાછા માદરેવતન આવ્યા. થોડો સમય કુંદરોડીમાં રહ્યા બાદ આખા પરિવારે મુંબઇ સ્થળાંતર કર્યું. લાલજીબાપા ધીરધારનો ધંધો કરતા એ સાથે તેમણે વરલીમાં દુકાન ખોલી. રેશનિંગ, અનાજ, કટલેરી, હાર્ડવેરનું વેચાણ કરતા. લાલજીભાઇના ભાઇ વિશનજીભાઇ ધંધામાં સાથે હતા. પરિવાર વરલીમાં રહેતો. દામજીભાઇ ત્રીજાં ધોરણ સુધી કુંદરોડી ગામની સ્કૂલમાં ભણ્યા હતા, એટલે ચોથાં ધોરણથી જ્ઞાતિની ચીંચપોકલી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો અને નવમું પાસ કર્યું. પછી પાલા ગલી સ્કૂલમાં એસએસસી કરી. એ પછી ખાલસા કોલેજમાં ઇન્ટર સાયન્સ કર્યું. ડોક્ટર બનવાની એમની ઇચ્છા હતી, પણ કોલેજમાં હતા એ દરમ્યાન તબિયત બગડી એટલે સારવાર માટે હૈદરાબાદના પ્રાકૃતિક ચિકિત્સાલયમાં દાખલ કરવા પડયા. સારવાર દરમ્યાન દામજીભાઇને જુદો વિચાર આવ્યો. ત્યાં સાજા થઇ ગયા પણ ડોક્ટર બનવાનું માંડી વાળ્યું અને વેપાર - ધંધામાં ઝંપલાવવાનું નક્કી કર્યું. આમ પણ પિતાજીની દુકાને સાંજે કોલેજથી આવ્યા પછી બેસતા. તે વખતે સાંજે ઘરાકી સારી રહેતી એટલે દામજીભાઇને મજા પણ આવતી. ખાલસા કોલેજમાં ભણતા ત્યારે સર્વોદય કેન્દ્રમાં રહેતા અને ત્યાંથી કોલેજ જતા. એ પછી 1960માં દામજીભાઇનાં લગ્ન થયાં. દામજીભાઇ કોલેજમાં ભણતા અને દુકાને પણ બેસતા. ભવિષ્યમાં શું કરવું એ દિશામાં કોઇ નક્કર પગલાં લેવાયાં ન હતાં, પણ એ સમય આવી ગયો. વરલીમાં કટલેરીની દુકાન હતી તેની સામે જ એક બંગાળીબાબુ રહેતો. એ એન્જિનીયર હતો. અવારનવાર લાલજીભાઇ શાહને કહેતો કે તમે ઇન્ડસ્ટ્રીઝમાં કેમ નથી ઝંપલાવતા ? વેપાર કરતાં તેમાં વધારે કમાણી છે. શાહ પરિવારને બંગાળીબાબુની વાતમાં વિશ્વાસ બેઠો. બહુ વિચાર કર્યા બાદ નવું સાહસ કરવાનું નક્કી કર્યું. નવાં સાહસમાં બંગાળીબાબુને પગારદાર તરીકે સાથે લીધો. તેને ડાઇ-ટૂલ્સનો અનુભવ હતો. મલાડમાં બોમ્બે ટોકિઝ કમ્પાઉન્ડમાં 900 ચોરસ ફૂટનો ગાળો ખરીદવામાં આવ્યો. ડાઇ, મોલ્ડ અને ટૂલ્સમેકિંગ માટેની મશીનરી ખરીદાઇ. કંપનીનું નામ રાખ્યું બી. કે. ઇન્ડસ્ટ્રીઝ. `બી' એટલે બંગાળી અને `કે' એટલે કચ્છી! 1960-61માં કરવામાં આવેલું આ સાહસ બહુ ચાલ્યું નહીં. તેમાં નુકસાની આવી. આ સાહસમાં દામજીભાઇના કાકા વિશનજી વેલજી સાથે હતા. કારખાનામાં કામદારો પર ઘણો મદાર રાખવો પડતો. ઘણીવાર પગાર ચૂકવવાના વાંધા પડતા. છેવટે સાહસને કાયમને માટે બંધ કરી દેવું પડયું. પણ દામજીભાઇનાં મનમાં કંઇક નવું કરવાના વિચાર આ નિષ્ફળતામાંથી આવ્યા. આ વખતે તેમણે મેન્યુફેક્ચરિંગમાં જવાનો વિચાર કર્યો. કાકાએ ઇન્ડસ્ટ્રીમાં જવાની ના પાડી. ભાઇ જાદવજીભાઇ શાહ એ વખતે આશા એમ્પોરિયમમાં બેસતા. મલાડમાં સ્વિચ બનાવવાનું કામ ચાલુ કરી દીધું હતું. એ પછી દામજીભાઇએ જાદવજીભાઇને જોડાવવા કહ્યું અને જાદવજીભાઇ પણ જોડાયા. શરૂઆતમાં વિક્ટર બ્રાન્ડની વ્હાઇટ સ્વિચ બનાવતા. પછી બીજી પ્રોડક્ટ્સનું ઉત્પાદન શરૂ કર્યું. ફેક્ટરી ચાલવા લાગી. માલ વેચાવા લાગ્યો હતો. ઉત્પાદનનું માર્કેટિંગ કરવા દામજીભાઇ - જાદવજીભાઇ સાથે લોહાર ચાલમાં દીપક ઇલેક્ટ્રિક કોર્પોરેશનના રસિકભાઇ ધારિયા (બાલાસિનોર)ને મળ્યા અને સ્વિચ બતાવી. એમને ગમી. 8 રૂા. ડઝનના ભાવે ખરીદવા તૈયાર તો થયા, પણ કહ્યું કે તમારા પિતાજીને તેડી આવો. બીજા દિવસે લાલજીભાઇ શાહ બંને પુત્ર સાથે રસિકભાઇને મળ્યા. 8 રૂા. 10 પૈસાના ડઝનનો ભાવ નક્કી થયો. બ્રાન્ડથી માલ બનાવી આપ્યો. સ્વિચ ખૂબ ચાલી. સારી કમાણી થઇ. બીજી પ્રોડક્ટ બનાવી તે પણ એમને આપી. વિક્ટર બ્રાન્ડ રજિસ્ટર્ડ થઇ નહીં એટલે દામજીભાઇ અને જાદવજીભાઇ નવું નામ શોધવા અંગ્રેજી ડિક્શનરી લઇને બેઠા. છેવટે `એન્કર' શબ્દ પસંદ કર્યો. એન્કર શબ્દમાં બીજું કાંઇ ન હતું, પણ લોકોની જીભ પર જલ્દી ચડી જાય એવું હતું એટલે પસંદ કર્યું. `એન્કર'ને 1962માં રજિસ્ટ્રેશન મળ્યું. બ્રાન્ડ વધતી ગઇ. પછી એન્કરનું ઉત્પાદન વેચવા માટે દેશભરમાં એજન્સીઓ રાખી. દેશભરમાં એન્કરનું નામ ગુંજતું થયું, જે નામ આજે દુનિયાભરમાં જાણીતું થયું છે. દામજીના પિતાશ્રી દીર્ઘદૃષ્ટા, માનવતાવાદી, મૂક જીવોના પ્રેમી અને ચીવટવાળા હતા. પિતા લાલજીભાઇ માનતા કે કચ્છને દુકાળમાંથી ઉગારી શકે તો એ નર્મદાનાં નીર છે. કચ્છને નર્મદાનાં પાણી મળવાં જોઇએ. પિતાનું નર્મદા યોજનાનું સપનું પૂરું થાય એ માટે દામજીભાઇએ હંમેશ અથાગ પ્રયાસ કર્યા. લાલજીભાઇનાં અવસાન પછી તેમનાં અસ્થિનું વિસર્જન નર્મદાજળમાં કર્યું હતું. દામજીભાઇએ નર્મદા ક્રાંતિનો અપ્રગટ અધ્યાય પુસ્તક માટે આપેલી મુલાકાતમાં પોતાનાં જીવનની પ્રેરક વાતો કરી હતી. સમાજસેવાનાં ક્ષેત્રમાં આવવાનું કેવી રીતે બન્યું એ વિશે દામજીભાઇએ કહ્યું, એ વખતે અમારા કચ્છી વીસા ઓસવાળ સમાજના આગેવાન વિશનજી લખમશી શાહે મને સમાજસેવામાં જોડાવવા કહ્યું. એ પછી હું સક્રિય થયો. સ્થાનકવાસી મહાજનમાં વીસ વર્ષ રહ્યો. પ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટીની જવાબદારી સંભાળી. એન્કરવાલા પરિવાર 1970થી કચ્છમાં રાહત અને સેવાપ્રવૃત્તિઓ કરે છે. કચ્છમાં કપરા સમયે મદદ કરે છે. મુંદરામાં લાલજીભાઇ શાહે નાનાલાલભાઇ ગોરની સાથે સર્વ સેવા સંઘની પ્રવૃત્તિ શરૂ કરી હતી. કચ્છમાં 1982 પછી દુકાળની પરંપરા સર્જાઇ ત્યારે દામજીભાઇ વહારે આવ્યા. કચ્છના લોકપ્રિય સેવાભાવી આગેવાન તારાચંદ છેડાના સહયોગથી ઠેર ઠેર ઢોરવાડા ખોલ્યા હતા. દામજીભાઇ અનેક મહાનુભાવોને મળ્યા છે. ભારતરત્ન અટલ બિહારી વાજપેયી, એક સમયના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લાલકૃષ્ણ અડવાણી, મનોહર જોશી, પ્રમોદ મહાજન વગેરે. 7મી જૂન, 1990ના મુંબઇ નર્મદા રેલી વખતે પૂ. પ્રમુખ સ્વામી મહારાજ, પૂ. મોરારિબાપુની ઉપસ્થિતિ હતી અને એ પછી  આ વિભૂતિ સાથે તેમનો જીવંત સંપર્ક જળવાઇ રહ્યો હતો. કચ્છમાં 1982 પછી દુકાળની પરંપરા સર્જાઇ ત્યારે દામજીભાઇની આગેવાની અને આર્થિક મદદથી ઢોરવાડા શરૂ થયા હતા. દામજીભાઇ સદાય બીજાઓ માટે જીવ્યા, કચ્છ, મુંબઇ અને ગુજરાતી સમાજ તેમનું અમૂલ્ય યોગદાન નહીં ભૂલે.

© 2023 Saurashtra Trust