અંજાર : અંગ્રેજી માધ્યમની શાળાની દીવાલના નબળા કામ મુદ્દે રાવ

અંજાર, તા. 30 : શહેરમાં બની રહેલી અંગ્રેજી માધ્યમની શાળાના ફરતે બનતી દીવાલમાં ગુણવત્તા ન જળવાતી હોવાની ફરિયાદો ઊઠી છે. શહેરના જાગૃત નાગરિક મેહુલકુમાર દવેએ સ્ટેટ પ્રોજેક્ટ કો.ઓ. સર્વ શિક્ષા અભિયાન સહિતના સમક્ષ લેખિત રજૂઆત કરતા કહ્યંy હતું કે, કર્મચારી સોસાયટી-1 પાસે બનતી અંગ્રેજી માધ્યમની નવી ઈમારતના બાંધકામમાં અત્રે આવેલી જૂની જર્જરીત દીવાલ ઉપર બ્લોક નાખીને તેની ઉંચાઈ વધારવામાં આવી રહી છે. આ સ્થળે વરસાદી પાણીનું વહેણ હોવાથી અહીં ઊભેલી દીવાલના પાયા નબળા પડી ગયા છે. તેમ છતાં અહીં નવેસર દીવાલ બનાવવાની જગ્યાએ જૂની દીવાલ ઉપર ચણતર કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો કરાયા છે. આ પ્રાથમિક શાળામાં છથી 14 વર્ષના વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે. આ પ્રકારે નબળી ગુણવત્તા સાથેના કામને કારણે ભવિષ્યમાં મોટો અકસ્માત થવાની ભીતિ વ્યક્ત કરાઈ છે. આ મામલે યોગ્ય તપાસ કરી ગુણવત્તાયુક્ત બાંધકામ થાય તે માટે તેમણે માંગ કરી હતી.