સાધુવેશમાં વશીકરણ કરીને દહીંસરાના યુવાનના 40 લાખ પડાવી લેવાતાં ચકચાર

દહીંસરા, (તા. ભુજ), તા. 30 (નરેન્દ્ર ચૌહાણ દ્વારા) : કચ્છના પટેલ સમાજના અનેક યુવાનો વર્ષોથી વિદેશ જઇને સખત પરિશ્રમ દ્વારા નાણાં રળતા આવ્યા છે. સમૃદ્ધ પટેલ ચોવીસીના આ ગામે આવી જ રીતે ધન એકઠું કરનારા એક યુવાન પાસેથી સાધુવેશમાં આવેલા શખ્શે વશીકરણના માધ્યમથી રૂા. 40 લાખ જેવી રકમ પડાવી લેતાં ભારે ચકચાર પ્રસરી છે. ભુજ-માંડવી ધોરીમાર્ગના આ ગામના રામપર-સરલી રોડ ઉપર રહેતા. આ ભોગ બનનાર યુવાન પોતાના મકાન પાસે આરામની પળોમાં હતો ત્યારે ત્યાં પહોંચેલા એક સાધુવેશધારી શખ્સે ભોજનની માગણી કરી હતી. તે દરમ્યાન યુવાનને વિશ્વાસમાં લઇને તેની સમસ્યા દૂર કરવા વાત માંડી હતી. પારિવારિક મુશ્કેલીમાંથી છૂટકારા સંદર્ભની ચર્ચા પછી આ શખ્સ ચાલ્યો ગયો હતો, ફરી પાછો  બીજી વખત તે ત્યાં આવ્યો હતો અને વશીકરણ દ્વારા યુવાનને ખંખેરી લીધો હતો, પછી મેલી વિદ્યામાંથી મુક્ત થવા યુવાનને સમજાવી વિધિ માટે નાણાંની માગણી કરી હતી. મેલી વિદ્યાની વિધિ સંદર્ભે તે શખ્સે યુવાનના દિલોદિમાગનો કબજો લઇ લીધો હતો અને તે યુવાને પહેરેલા સોનાના લુઝ, ચેઇન, વીંટી સહિતના દાગીના પત્નીના દાગીના તેમજ ઘરમાં પડેલી રોકડ બધું જ મગાવી લીધું હતું. આ દર-દાગીના એક પોટલામાં બંધાવી વિધિમાં મુકાવ્યા બાદ અંદાજે 40 લાખ જેવો આ માલ લઇને આ શખ્સ પલાયન થઇ ગયો હતો. એકાદ કલાક બાદ હોશમાં આવેલા યુવાનને સમજાયું કે, તે છેતરાયો છે, પરંતુ ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું. સમાજમાં બદનામીના ડરે આ વાત પોલીસ સુધી લઇ જવાઇ નહોતી, પરંતુ ગામમાં આ વાત પ્રસરતાં ચકચાર ફેલાઇ હતી. ભવિષ્યમાં કોઇ આવો બનાવ ન બને તે માટે ગામમાં સીસીટીવી કેમેરા લગાડવા માગણી ઊઠી છે. ભૂતકાળમાં આવી જ રીતે એક યુવાનને પાંચ લાખનો ચુનો લાગ્યો હતો.

© 2023 Saurashtra Trust