વાગડમાં કાર ચડાવી ધોકા ફટકારી વૃદ્ધનું કાસળ કઢાયું

રાપર, તા. 30 : ગાંધીધામમાં બંદૂકના ભડાકે આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 40 લાખ રોકડાની લૂંટનો બનાવ તાજો છે, ત્યાં જ કાયદો વ્યવવસ્થાને પડકારતો હત્યાનો બનાવ  વાગડમાં બહાર આવ્યો છે. લાકડિયા નજીક 70 વર્ષીય ભીમાજી કાંયાજી રાઠોડ ઉપર ગાડી ચડાવી ધોકા ફટકારી ઘાતકી હત્યા નિપજાવાઈ હતી. હત્યાના આ બનાવનાં પગલે પોલીસ બેડામાં ભારે દોડધામ થઈ પડી છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી ઘટના અંગે મળતી પ્રાથમિક વિગતો મુજબ બપોરે 12.45 વાગ્યાના હતભાગી વૃદ્ધ શિવલખાથી બાઈક ઉપર તેના ભત્રીજા હેમંતસિંહ ચમનજી રાઠોડ સાથે લાકડિયાથી કામ પતાવી પરત શિવલખા જતા હતા. આ દરમ્યાન શિવલખા લાકડિયા વચ્ચે સોઢા કેમ્પ પાસે હત્યારાઓએ તેમની બાઈક ઉપર કાર ચડાવી નીચે પાડી દીધા હતા. બાદમાં આરોપીઓએ વૃદ્ધ ઉપર ધોકા અને લાકડીઓ વડે ઢોર માર મારી નાસી ગયા હતા. હતભાગી વૃદ્ધને ગંભીર હાલતમાં સારવાર માટે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તબીબી સૂત્રોના જણાવ્યા પ્રમાણે સતત ધોકાના મારથી શરીરમાં આંઠ જેટલા ફ્રેકચર થયા હતા અને નસો પણ ફાટી ગઈ હતી. છથી સાત કલાકની સારવાર બાદ હતભાગી વૃદ્ધે દમ તોડી  દેતાં જીવલેણ હુમલાનો બનાવ હત્યામાં પલટાયો હતો. અંતરંગ વર્તુળોના જણાવ્યા પ્રમાણે અંગત અદાવતમાં વૃદ્ધની હત્યા નિપજાવાઈ હોવાના પ્રાથમિક અહેવાલો સાંપડી રહ્યા છે. દરમ્યાન શિવલખાની સીમમાં આવેલી બે કંપનીઓમાં કોન્ટ્રેક મેળવવા મુદ્દે છેલ્લા કેટલાક સમયથી ઘર્ષણ વધ્યું છે. જો કે, આ બનાવ પછવાડેનું ચોક્કસ કારણ તપાસ બાદ જ બહાર આવશે. ત્રણથી ચાર શખ્સે હત્યા નિપજાવી હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. આ લખાય છે ત્યારે મોડી રાત્રિના ફરિયાદ નોંધવાની તજવીજ ચાલુમાં છે. વૃદ્ધની હત્યાનાં પગલે ગામમાં અને વાગડમાં ભારે ચકચાર પ્રસરી છે. બનાવની જાણ થતાં લાકડિયા પી.આઈ. આર.આર. વસાવા અને પોલીસ સ્ટાફે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો તેજ કર્યા છે.

© 2023 Saurashtra Trust