તેરાની કેનાલમાં ગરકાવ થતાં યુવાનનું કરુણ મોત
ભુજ-ગાંધીધામ, તા. 30 : અબડાસા તાલુકાના તેરાના સ્મશાનની બાજુમાં આવેલી કેનાલમાં ગઇકાલે ગામનો 27 વર્ષીય યુવાન દીપક ફકીર કોલી ગરકાવ થઇ જતાં તેનું કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે અંજાર તાલુકાના મેઘપર (કુંભારડી)માં 25 વર્ષીય યુવાન આકાશ રાજેશ ગોયલે ગળેફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. નલિયા પોલીસ મથકે દીપક કોલીના પિતા ફકીર સાલેએ નોંધાવેલી વિગતો મુજબ રવિવારને બપોરે તેના નાના ભાઇ જાફરભાઇનો ફોન આવ્યો હતો અને કહ્યું કે, તમારો દીકરો દીપક સ્મશાનની બાજુમાં આવેલી કેનાલમાં ગરકાવ થઇ ગયો છે. આથી ફકીરભાઇ આડોસી- પાડોસી સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને દીપકને કેનાલમાંથી બહાર કાઢી છોટા હાથી છકડામાં સારવાર અર્થે નલિયાની સરકારી હોસ્પિટલે લઇ જતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. હાલ નલિયા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી સાથે બનાવ પાછળના કારણ શોધવા તપાસ આદરી છે. દીપક માનસિક રીતે અસ્થિર હોવાનું અંતરંગ વર્તુળોએ જણાવ્યું છે. બીજી તરફ અંજાર તાલુકાના મેઘપર (કું.)ના ભક્તિધામ સોસાયટીમાં રહેનાર આકાશ નામના યુવાને ગઇકાલે સાંજે અંતિમ પગલું ભરી લીધું હતું. આ યુવાન સાંજે પોતાના ઘરે હતો ત્યારે ઉપરના રૂમમાં જઇ અંદરથી દરવાજો બંધ કરી ગળેફાંસો ખાઇ લીધો હતો. તેને સારવાર અર્થે લઇ જવાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ યુવાને કેવા કારણોસર આ પગલું ભર્યું હશે તે સહિતની વિગતો માટે અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે.