નલિયા 6.8 ડિગ્રી : અન્યત્ર ઠંડીમાં રાહત
ભુજ, તા. 30 : પશ્ચિમી વિક્ષોભ પસાર થયા બાદ કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવી હવામાન વિભાગે કરેલી આગાહી સંપૂર્ણપણે સાચી ઠરી ન હોય તેમ નલિયાને બાદ કરતાં અન્યત્ર ઠંડીમાં ખાસ્સી એવી રાહત જોવા મળી હતી. નલિયામાં પારો ગગડીને 6.8 ડિગ્રીએ પહોંચતાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ભુજમાં 12.4, કંડલા પોર્ટ 13.8 અને કંડલા (એ.)માં 13 ડિગ્રી લઘુતમ તાપમાન સામે મહત્તમ પારો 27થી 29 ડિગ્રી નોંધાતાં બપોરના સમયે હૂંફાળો માહોલ અનુભવાયો હતો. ભેજનું પ્રમાણ વધતાં સવારના સમયે જિલ્લાના અનેક વિસ્તારોમાં ઝાકળવર્ષાથી રસ્તા ભીંજાવવા સાથે કેટલાક સ્થળે ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી હતી. હવામાન વિભાગે લઘુતમ પારો બેથી ત્રણ ડિગ્રી ગગડવાની આગાહી કરી છે, સાથે વાતાવરણમાં વિષમતા અનુભવાશે તેવી શક્યતાઓ દેખાડવામાં આવી છે.