અંજાર વીર બાળક સ્મારક ખાતે સદ્ગતોને શ્રદ્ધાંજલિ અર્પણ
અંજાર, તા. 30 : અહીંના વીર બાળક સ્મારક ખાતે 26મી જાન્યુઆરી 2001ના વિનાશક ભૂકંપમાં મૃત્યુ પામેલા સ્વજનોની યાદમાં દેશભક્તિ સંગીત સાથે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ જોડાઈ હતી. અંજાર મતક્ષેત્રના ધારાસભ્ય ત્રિક્રમભાઈ છાંગા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ભરતભાઈ શાહ, જિલ્લા ભાજપના મહામંત્રી વસંતભાઈ કોડરાણી, સુધરાઈ પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતી, ભાજપના અગ્રણી ગોવિંદ કોઠારી, વાલીમંડળના અશોકભાઈ સહિતના વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા નાગરીકોએ મીણબત્તી પ્રજ્વલિત કરીને અંજારના દિવંગત લોકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ પ્રસંગે મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ પણ કરાયું હતું. ઓરકેસ્ટ્રા ચિંતનભાઈ અને તેમની ટીમે રેલાવેલા સંગીતના સૂરો થકી દેશભક્તિનો માહોલ છવાયો હતો. ધારાસભ્ય શ્રી છાંગાએ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. કાર્યક્રમનો સંચાલન શહેર ભાજપ પ્રમુખ ડેની શાહે અને આભારવિધિ સુધરાઈ ગાર્ડન સમિતિના ચેરમેન નિલેશગિરિ ગોસ્વામીએ કરી હતી. કાર્યક્રમમાં સુધરાઈ ઉપપ્રમુખ બહાદુરસિંહ જાડેજા, કારોબારી ચેરમેન વિજયભાઈ પલણ, નગરસેવક અનિલભાઈ પંડયા, ડાયાલાલ મઢવી, કુંદનબેન જેઠવા, પ્રીતિબેન માણેક, ઈલાબેન ચાવડા, કલ્પનાબેન ગોર, વિરોધપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા તથા અશ્વિનભાઈ સોરઠિયા, દિગંતભાઈ ધોળકિયા, હિતેનભાઈ વ્યાસ, કિંજલભાઈ બુદ્ધભટ્ટી, પુનિતભાઈ ઠક્કર સહિતના ઉપરસ્થિત રહ્યા હતા.