ભાડે ઊંટ ચલાવનાર પરિવારની દીકરીએ મેળવ્યો ગોલ્ડ મેડલ

ભાડે ઊંટ ચલાવનાર પરિવારની દીકરીએ મેળવ્યો ગોલ્ડ મેડલ
દયાપર (તા. લખપત), તા 4 : છેવાડાના લખપત તાલુકામાં વર્ષોથી રહેતા અને 1971માં પાકિસ્તાનથી ગુજરાત આવેલા ગરીબ શરણાર્થી પરિવારની દીકરીઓ માસ્ટર ઓફ સોશિયલ વર્ક (એમ.એસ.ડબલ્યુ.)ની પરિક્ષામાં ગોલ્ડ મેડલ મેળવે ત્યારે છેવાડાના પરિવારના વડીલોની છાતી ગજ ગજ ફુલે તે સ્વભાવિક છે. 1971માં પાકિસ્તાનથી ચાંદાજી પરમારનો પરિવાર બનાસકાંઠાના સુઇગામમાં આવી વસ્યો. આઠ વર્ષ સુધી અહીં રોકાયાં તેમનો પુત્ર ધરમાજીએ સુઇગામમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. પિતાજી પાસે ઊંટ હતું. ભાડે ચલાવતાં દૈનિક એક રૂપિયો તે સમય મજૂરી મળતી, ઘરનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડતાં આ પરિવાર 1980માં લખપત તા.ના કપુરાશી ગામમાં સ્થાયી થયો. દીકરા ધરમાજીને રાધનપુર 11મું ભણવા મોકલ્યો. બાદમાં એક બાંધકામ ઠેકેદાર પાસે માસિક 200ના પગારે નોકરી કરી. નિષ્ઠાવાન છોકરો જોઇ શેઠ અમદાવાદ લઇ ગયાં ત્યાં એક અખબારમાં કારકૂનની નોકરીની જાહેરાત વાંચી ઇન્ટરવ્યૂ આપતાં પાસ થયા ત્યાર બાદ 1993માં નાયબ મામલતદારની પરીક્ષા પાસ કરી બાદમાં મામલતદાર થયા અને ધરમાજી નહીં પણ ડી.સી. પરમારના નામે જાણીતા થયા, તેમની હાલમાં જ મોરબી ખાતે બઢતી થઇ તેઓ નાયબ કલેકટરના પદ સુધી પહોંચ્યા. ચા વેચનાર વડાપ્રધાન બને તો મજૂરી કરનાર પણ નાયબ કલેકટર પદ પર શા માટે ન પહોંચી શકે... ? ડી.સી. પરમારની એક દીકરી ઉર્મિ પરમારે વર્ષ 2022માં એમ. એસ. ડબલ્યુ. પૂર્ણ કર્યું. હાલમાં જ કચ્છ યુનિ.માં રાજ્યપાલ દ્વારા તેમને ગોલ્ડ મેડલ અર્પણ કરાયું હતું. તેમની બીજી દીકરી અમદાવાદ ડેન્ટલ કોલેજમાં બેચલર ઈન ડેન્ટલ સર્જન (બી.ડી.એસ.) ડો. કિરણ પરમાર જ્યારે સોભના પરમારે (એમ.એસસી. માઈક્રોબાયોજી)માં ગોલ્ડ મેડલ મેળવ્યું. હાલમાં નાની તુંબડી પ્રા.આ. કેન્દ્રમાં લેબ. ટેક તરીકે કાયમી નોકરામાં ફરજ બજાવે છે. શિવના પરમ્ ભક્ત ડી.સી. પરમાર લાખણી (બનાસકાંઠા)માં મામલતદાર તરીકે ઘણા સમય સુધી કાર્યરત હતા, નાયબ કલેકટરના પદ સુધી પહોંચ્યા પછી પણ જૂના મિત્રોને પ્રેમથી મળે છે. શ્રી પરમારનું જન્મ સ્થાન પાકિસ્તાન છે. હાલમાં પણ તેમના પિતા, ભાઇઓ વિ. કપુરાશીમાં ખેતી, પશુપાલન કરીને જીવન નિર્વાહ કરે છે. લખપત તાલુકાના શરણાર્થી પરિવારનો દીકરો ધરમાજી ડેપ્યુટી કલેકટર થાય અને આ ડેપ્યુટી કલેકટરની બબ્બે દીકરીઓ ડબલ ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કરે તે ખરેખર ગૌરવની વાત છે.

© 2023 Saurashtra Trust