કાલે રાષ્ટ્રીય સંત નમ્રમુનિ સાથે 42 સંતનો પુનડીમાં પ્રવેશ

કાલે રાષ્ટ્રીય સંત નમ્રમુનિ સાથે 42 સંતનો પુનડીમાં પ્રવેશ
પુનડી (તા. માંડવી), તા. 1: માંડવી તાલુકાના પુનડી ગામે એસ.પી.એમ. પરિવારની વિનંતીનો સ્વીકાર કરીને રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મ.સા. આદિ 6 સંતો તેમજ પ્રબોધિકાબાઇ મહાસતીજી, પરમ સંબોધિજી મહાસતીજી આદિ ઠાણા 36 મળીને એકસાથે 42 સંત-સતીજીઓ એસ.પી.એમ. આરોગ્યધામ ખાતે ચાતુર્માસ પ્રવેશ કરશે. તા.3 જુલાઇના રવિવારે સવારે 7.30 વાગ્યે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા નીમાબેન આચાર્યની ઉપસ્થિતિમાં સ્વાગત યાત્રા બાદ 9 વાગ્યે સ્વાગત સમારોહનું આયોજન ધારાસભ્યો વાસણભાઇ આહીર, વીરેન્દ્રસિંહજી જાડેજા, કેશુભાઇ પટેલ તથા પંકજભાઇ મહેતા મહાનુભાવો અને કચ્છ-તેરાના મયૂરધ્વજસિંહજીની ઉપસ્થિતિમાં કરવામાં આવનારું છે. ભારતના ખૂણે-ખૂણેથી અનેક શ્રેષ્ઠી મહાનુભાવો, સંઘો  મુંબઇથી ખાસ ટ્રેન કરીને આવી રહ્યા છે. સેંકડો ભાવિકો ચાતુર્માસ પ્રવેશના વધામણાં કરશે ત્યારે સંઘપતિ બનવાનો લાભ પરાગભાઇ શાહ, રમેશભાઇ મોરબિયા, અનિલભાઇ ભાયાણી, કિરીટભાઇ મહેતા, રાજેશભાઇ કોઠારી, ચંદ્રકાન્તભાઇ વાડીલાલ શાહ વગેરે ભાવિકોએ લીધો છે. રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી ગુરુપૂર્ણિમાના અવસરે અનંતભાઇ મુકેશભાઇ અંબાણીના સહયોગે મુંબઇના અર્હમ યુવા સેવા ગ્રુપના ઉપક્રમે હજારો ગરીબોને ભોજન આપવા સ્વરૂપ `અનંત અર્હમ આહાર પ્રકલ્પ'નો પ્રારંભ કરવામાં આવશે. સાંજના 6 વાગ્યે 5 અભિગમથી ગુરુ પ્રસન્નતા-ગુરુ સમર્પણ અવસરનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 

Crime

© 2022 Saurashtra Trust